વાંકાનેર: બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લઈ ગયા હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવેલ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીપીઆઇ વી.ડી. બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.
આ ઉપરાંત અગાઉ 13/3/2013ના રોજ દેવાબાપાની જગ્યામાં સેવા-ચાકરી કરતાં લાલાભાઇ નાકિયાના પુત્ર આશિષ ઉંમર વર્ષ 11નું બીજના ભજન દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી લઇ ગયાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આ બંને અપહરણ થયેલ બાળકો કૌટુંબિક સગા હોવાનું જાણવા મળેલ છે. આશિષ નામના બાળકના અપહરણ ને આજે છ વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજ દિન સુધી આશિષનો કોઈ પત્તો લાગેલ નથી ત્યાં ગઈ કાલે પ્રિન્સ નામના એક બાળકનું અપહરણ થતાં વાંકાનેર પંથકમાં ચર્ચાઓનો મારો ચાલી રહ્યો છે.
આ પાંચ વર્ષના બાળકના અપહરણની તપાસ મોરબી જિલ્લાના પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ સીપીઆઈ વી.ડી. બ્રહ્મભટ્ટ ઉપરાંત એલસીબી પીઆઈ વી.બી. જાડેજા અને એસઓજી પીઆઈ એસ.એન. સાટી ની ટીમ દ્વારા અપહરણની તપાસમાં ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.