કચ્છ: સરહદી વિસ્તારોમાં ફરી તીડના ઝુંડો દેખાયા : દવા છંટકાવ શરૂ
ભૂજ: બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તીડનાં ઝુંડોએ ઉપદ્રવ મચાવ્યા બાદ હવે કચ્છના અબડાસાના કેરવાંઢ અને જાનાકોષા વિસ્તારમાં તીડનાં ઝુંડોએ દેખાવવું શરૂ કર્યું છે.
અગાઉ પણ રાપર, ખાવડા અને લખપત અને અબડાસાના ગામોમાં પણ અસંખ્ય તીડ દેખાયા હતા પરંતુ ત્યારે દવા છંટકાવથી કાબુ મેળવી લેવાયો હતો. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી અબડાસા અને લખપતના અનેક ગામોમાં તીડ દેખાઈ રહ્યા છે ત્યાં આજ સવારથી અબડાસાના કેરવાંઢ અને જાનાકોષા વિસ્તારમાં આવેલા તળાવ પાસે બાવળની ઝાડીઓમાં તીડના ઝુંડ દેખાતા તેને મારવા માટે દવાઓનો છંટકાવ શરૂ કરાયો છે.
તીડ સામે જાનાકોષા વિસ્તારમાં સવારથી કામગીરી શરૂ કરાઈ છે. તીડ હાલ બાવળની ઝાડીઓ પર છે જેથી કામગીરી કરવા માટે મુશ્કેલીઓ થઈ રહી છે પરંતુ ટ્રેક્ટરમાં ફુવારા લગાવીને દવાઓનું છંટકાવ થઈ રહ્યું છે અને તીડ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તીડ બહુ મોટી માત્રામાં નથી. પરંતુ બહુ ઓછા પણ ન હોવાથી દવાનો છંટકાવ કરીને તીડને મારવાના પ્રયાસો કરાઈ રહ્યા છે અને સાંજ સુધીમાં નિયંત્રણ મેળવી લેવાશે તેવું તીડ નિયંત્રણ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું.