કેન્દ્રને પડકારનારું પહેલું રાજ્ય કેરળ: CAAની વિરુદ્ધ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેરળ સરકારે પડકાર્યો છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં થઈ રહેલા પ્રદર્શનોની વચ્ચે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનારું કેરળ પહેલું રાજ્ય બની ગયું છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ પહેલા જ આ કાયદાની વિરુદ્ધ લગભગ 60 અરજીઓની સુનાવણી કરી રહ્યું છે.

કેરળ સરકારે અરજીમાં કાયદાને ભેદભાવવાળો અને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતો ગણાવ્યો છે. કેરળ સરકારે તેના માટે સુપ્રીમ કોર્ટમાં બંધારણના આર્ટિકલ 131 હેઠળ સૂટ દાખલ કરી છે. આર્ટિકલ-131 ભારત સરકાર અને કોઈ પણ રાજ્યની વચ્ચે કોઈ પણ વિવાદમાં સુપ્રીમ કોર્ટને મૂળ અધિકાર ક્ષેત્ર આપે છે. જો બંનેની વચ્ચે કોઈ કાયદાનો સવાલ કે પછી કાયદા પર સીમા કે અધિકારનો મુદ્દો હોય.

કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માંગ કરી છે. કેરળ સરકારે કહ્યું કે, આ કાયદો આર્ટિકલ 14, 21 અને 25નું ઉલ્લંઘન કરે છે. CAAની વિરુદ્ધ પહેલીવાર કોઈ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કેરળ વિધાનસભાએ નાગરિકતા કાયદાને રદ કરવાની માંગવાળો પ્રસ્તાવ પાસ કર્યો છે. સત્તારૂઢ સીપીએમ નેતૃત્વવાળી ગઠબંધન એલડીએફ અને કૉંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષી ગઠબંધન યૂડીએફે વિધાનસભામાં CAAની વિરોધમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું જ્યારે બીજેપીના એકમાત્ર સભ્યએ તેનો વિરોધ કર્યો હતો.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ પહેલા જ ઘોષણા કરી હતી કે તેમની સરકાર સંશોધિત નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને પોતાના રાજ્યમાં લાગુ નહીં કરે. વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરીને તેને એકના મુકાબલે 138 મતોથી પાસ કરાવીને તેઓએ હવે કેન્દ્ર સરકાર પર દબાણ વધારી દીધું હતું.

આ પહેલા કેરળ વિધાનસભામાં સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થવાને લઈ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નાગરિકતા પર માત્ર સંસદને કોઈ કાયદો પાસ કરવાનો અધિકાર છે, વિધાનસભાને નહીં. મૂળે, નાગરિકતા કાયદા દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ માટે કોઈ કાયદેસર દસ્તાવેજો વગર પણ ભારતીય નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ સમાચારને શેર કરો