નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયાનો માદરે વતન હડમતિયામાં અભિવાદન સમારોહ યોજાશે
By રમેશ ઠાકોર -હડમતીયા
ગુજરાત પોલિસમાં પ્રસંશનિય અને વરિષ્ઠ એમ બે કામગીરી કરનાર પોલિસ અધિકારીને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ મળતા હોય છે ત્યારે મોરબીના ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ ભુમીના વતની અને મોરબી જીલ્લાનું સમગ્ર ગુજરાતમાં નામ ગુંજતું કરનાર અમદાવાદ ગ્રામ્ય, સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયા સાહેબે 2014 માં પ્રસંશનિય અને 2020 માં વરિષ્ઠ એમ બંને કામગીરી કરવા બદલ “રાષ્ટ્રપતિ પોલિસ મેડલ” મેળવતા માદરે વતન મોરબીવાસીઓ ગર્વની લાગણી સાથે સવિશેષ ગૌરવાન્વિત અભિવાદન સમારોહ યોજવા ઉત્સુક બન્યા છે.
ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પાટીદાર ખેડુતપુત્રને ત્યાં જન્મેલ નાયબ પોલિસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયા સાહેબ ગુજરાત પોલિસમાં ફરજ બજાવી તલવારની ધાર પર ચાલીને કપરા ચઢાણનો સામનો કરીને અનેક મર્ડર, લુંટફાટ, ભ્રષ્ટ અધિકારીઓ, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો, જમીન માફિયાઓ, જેવા અનેક ચમરબંધીઓને જેલ હવાલે કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં બહુચર્ચિત બાળકોને ગોંધી રાખવાના ચકચારી પ્રકરણમાં સ્વામિ નિત્યાનંદને પકડવા માટે સીબીઆઈ સુધી મદદ માટે દોડધામ કરી ઈન્ટરપોલની મદદ લઈ આ મામલામાં સાધ્વીઓની ધરપકડ કરી બેનકાબ કર્યાં છે તેમજ લાશના કટકા કરેલ બે પોટલા ભરેલ લાશનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢી મર્ડર કરનાર ગુનેગારને જેલ હવાલે કરી દિધેલ. શ્રી કે.ટી. કામરીયા સાહેબ ACB માં પણ નવ વર્ષ ફરજ બજાવી કેટલાય મોટા માથાઓને જેલના સળીયા ગણતા કર્યા છે. આમ ટુકડા થયેલી લાશનો ભેદ હોય કે પછી દુષ્કર્મની વાત તેઓએ નિષ્ઠાથી ફરજ બજાવી મોરબી તેમજ સૌરાષ્ટ્રની ધરાનું ગૌરવ વધાર્યુ છે ત્યારે આ જાબાંઝ ઓફિસરને માદરે વતન મોરબી વાસીઓ વધાવવા અધિરા બન્યા છે.
મોરબીમાં આવેલ ટંકારા નજીક “એલિટ ઈન્ટરનેશનલ સ્કુલ” ના વિશાળ કેમ્પ્સમાં નાયબ પોલિસ અધિક્ષકનો સવિશેષ ગૌરવાન્વિત અભિવાદન સમારોહ 14 ફેબ્રુઆરીના રોજ યોજાય રહ્યો છે ત્યારે આ સત્કાર સમારંભમાં આમંત્રિત અતિથિ મહેમાન શ્રી સ્વામી ધર્મબંધુંજી આર્શિવચન આપવા પધારી રહ્યા છે તેમજ ઊંજા, સિદસર, ખોડલધામ લેઉઆ-કડવા પાટીદાર સંસ્થાના વડાઓ, સંતો-મહંતો, ધારાસભ્યો, સંસદસભ્યો, ઉધોગપતિઓ, હડમતિયાના તમામ જ્ઞાતીજનો, તાલુકા-જીલ્લા પ્રમુખો, સિરામિક એસોસિયેશન પ્રમુખશ્રી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન, મોરબીના જીલ્લા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પત્રકારમિત્રો તેમજ અનેક નામી અનામી લોકોને મેનેજમેન્ટ કમિટી દ્વારા ઈન્વિટેશન આપી આમંત્રિત કર્યા છે.