Placeholder canvas

કોરોના વાયરસને લઈ એલર્ટ, રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ ઊભો કરાયો

રાજકોટ એરપોર્ટ પર પણ સાવચેતીના ભાગરૂપે મુસાફરોનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ : કોરોના વાયરસના કહેર વચ્ચે તંત્ર એલર્ટ પર છે. રાજકોટ જિલ્લામાં પણ અન્ય દેશોમાં આવતા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. કોરોના વાયરસ અથવા તો અન્ય લોકોને દેખરેખમાં રાખવા માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. અહીં વિદેશથી આવેલા અને કોરોના વાયરસના શંકાસ્પદ લાગતા લોકોને રાખવામાં આવશે. ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસની જીવલેણ બીમારી આખી વિશ્વમાં ફેલાઈ છે. આથી ભારત સરકારે પણ તમામ રાજ્યોને તકેદારીના પગલાં લેવાનો આદેશ કર્યો છે. જે સંદર્ભે સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે.

આ તૈયારીના ભાગરૂપે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 70 લોકોની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 10 લોકો દેખરેખ હેઠળ રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ આ લોકોની તપાસ હાથ ધરવામાં આવશે.

રાજકોટ એરપોર્ટ પર પણ સાવચેતીના ભાગરૂપે મુસાફરોનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. એરપોર્ટની અંદરના ભાગમાં કોરોના અંગે જાગૃતિના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા સોશિયલ મીડિયા તેમજ અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા કોરોના વાયરસ અંગેની જાગૃતિ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો