Placeholder canvas

વાંકાનેરના તત્કાલિન ASI સામે અપ્રમાણસર મિલ્કતની તપાસ પૂર્ણ, આવક કરતા રૂ. ૨૩ લાખ વધુ મળતા ગુનો દાખલ 

પોતાના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ એકઠી કર્યાનું તપાસમાં ખુલ્યા બાદ એસીબીએ હાથ ધરી કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેરના તત્કાલીન એએસઆઈ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાવ્યો છે. આ એએસઆઈએ પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ આવક કરતા રૂ. ૨૩,૪૬,૬૮૦ જેટલી રકમ વધારાની એકઠી કરી હોવાનું તપાસમાં ખુલતા એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં અગાઉ ટ્રાફિક એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને હાલ સેવા નિવૃત હરેશભાઇ કાનજીભાઇ કેસુરે તા.૦૧/૦૪/૨૦૧૨ થી તા.૩૧/૦૩/૨૦૧૮ દરમિયાનના કાર્યકાળમાં મોરબી જીલ્લાની ફરજમાં વાંકાનેર તાલુકામાં ટ્રાફિકડ્યુટી તેમજ જીલ્લામાં અન્ય ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસી હતી.

તેઓએ ફરજ દરમિયાન પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા.૨૩,૪૬,૬૮૦/- એટલે કે, ૭૫.૮૬% જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતા તેઓએ કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી,

નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પત્નીના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કર્યો હોય એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગન્હો દાખલ કરાવેલ છે. આ કામગીરીમાં એસીબી પીઆઈ પી.કે. ગઢવીએ ગુનો દાખલ કરાવ્યો છે. જ્યારે તપાસ અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્યના આર.આર. સોલંકી રોકાયેલ હતા. અને સુપરવિઝન અધિકારી તરીકે એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી.જાડેજા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો