જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર
જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને તેથી જ અહીંયા અવારનવાર સિંહ અને દીપડા આંટાફેરા કરતા હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં દીપડાએ બે સાધુ પર હુમલા કરી અને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. આજે ફરી એક સાધુ દીપડાના હુમલામાં મોતને ભેટ્યા છે.
ભવનાથની તળેટીમાં આવેલા એક આશ્રમમાં એક સંત પોતાના શયન આસનમાં હતા ત્યારે દીપડો તેમને ત્યાંથી ઉઠાવી ગયો હતો. સાધુની પથારીએથી તેમને દબોચી દીપડો નજીકની ઝાડીમાં લઈ ગયો હતો અને સાધુને ફાડી ખાધા હતા. મૃતક સાધુનું નામ ઓમકારગીરી છે. વનવિભાગની ટીમને ગિરનારના જંગલમાંથી ઝાડીમાં સાધુનો ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ભવનાથમાં હાહાકાર મચી ગયો છે અને સાધુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
એક અઠવાડિયામાં નરભક્ષી દીપડાનો આ બીજો હુમલો છે.આ અઠવાડિયામાં અગાઉ પણ દીપડાએ હુમલો કરીને એક સાધુને ફાડી ખાધા હતા ત્યારે એક જ દીપડો હુમલો કરી રહ્યો હોય તેવી શંકા સેવાઈ રહી છે. વનવિભાગ તાકીદે આ દીપડાને પાંજરે નહીં પુરે તો આગામી સમયમાં વધુ અમંગળ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઘટના બાદ વનવિભાગની ટીમે પણ જંગલમાં દીપડાની શોધખોળ હાથ ધરી છે પરંતુ વિસ્તારમાં અનેક સિંહ દીપડા હોવાના કારણે માનવભક્ષી દીપડો કયો છે તે તપાસ કરવા માટે વનવિભાગે જહેમત ઉઠાવવી પડશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…