અમરેલી: રાજુલામાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું
અમરેલી : રાજુલા પંથકમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સિંહણે એક પાંચ વર્ષના બાળકને ફાડી ખાધાનુ સામે આવ્યુ છે. જે બાદમાં વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજુલાના ઉંચેયા-ભચાદર ગામની સીમમાં સોમવારે રાત્રે આ બનાવ બન્યો હતો. અહીં મોડી રાત્રે એક સિંહણ તેના સિંહબાળ સાથે આવી પહોંચી હતી. આ સમયે ઝૂંપડામાં રહેલા એક બાળકને સિંહણ મોઢાથી પકડીને દૂર ઢસડીને સિંહણે બાળકને ફાડી ખાધું હતું.
આ પરિવાર એક ઝૂંપડામાં રહેતો હતો. બાળક ગુમ થયા બાદ પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદમાં વહેલી સવારે ઝૂંપડા નજીકથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ આવ્યાની જાણ થતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાળકને બચાવવા પણ દોડ્યાં હતાં. જોકે, લોકો કંઈ કરે તે પહેલા જ સિંહણે બાળકને ફાડી ખાધું હતું. સિંહ બાળકનો એક પગ અને અડધું માથું કરડી ખાધું હોવાનું સામે આવ્યુ છે.
આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં અધિકારીઓએ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાઈ જવામા આવ્યો હતો. નોંધનીય છે કે ગત વર્ષે સિંહે મનુષ્ય પર હુમલો કરીને ફાડી ખાધાના બેથી ત્રણ બનાવો સામે આવ્યા હતા.