રાજકોટમાં સુથાર યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું, મોત

મિસ્ત્રી કામ કરનાર યુવાન મિત્ર સાથે કામ પરથી ઘરે પરત ફરતી વેળા શાસ્ત્રીનગર અજમેરા પાસે બનાવ બન્યો:હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ દમ તોડી દીધો

રાજકોટ: મકરસંક્રાંતિના તહેવારમાં પતંગની દોરીથી ઇજા થવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.ત્યારે ઉત્તરાયણ પૂર્વે જ રાજકોટમાં કરુણ ઘટના બની છે. શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન સમી સાંજના એક્ટિવા પર મિત્ર સાથે કામ પરથી ઘરે જતો હતો દરમિયાન શાસ્ત્રીનગર અજમેરા પાસે પતંગની દોરી ગળામાં વીંટળાઈ જતા ગળું કપાઈ ગયું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ પર ગોપાલ પાર્ક શેરી ન.2 માં અંકુર મેઈન રોડ પર રહેતા વિપુલ નંદલાલ બકરાણીયા (ઉ.વ 39) નામનો સુથાર યુવાન સમી સાંજના મિત્ર સાથે એક્ટિવા પર શાસ્ત્રી નગર અજમેરા પાસેથી પસાર થતા હતા યુવાન વાહન ચલાવતો હોઈ દરમિયાન પતંગની દોરી ગળામાં વીંટળાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે નજીકમાં ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ યુવાનને સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું.સુથાર યુવાન બે ભાઈના પરિવારમાં નાનો હતો.તેને સંતાનમાં આઠ વર્ષની પુત્રી છે.યુવાન મિસ્ત્રી કામ કરતો હતો. સાંજના કામ પરથી પરત ઘરે જતી વેળાએ આ દુર્ઘટના બની હતી.બનાવના પગલે યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો