રાજકોટમાં એક જ દિવસે ત્રણ દરોડામાં 19.86 લાખનો દારૂ પકડાયો
રાજકોટ: શહેરમાં પોલીસે અલગ- અલગ ત્રણ દરોડામાં રૂપિયા 19.86 લાખનો 6,324 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચના પી.આઈ એચ.એમ.ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન કોન્સ્ટેબલ વિક્રમ લોખીલને બાતમી મળી હતી કે,અમદાવાદ હાઇ-વે પરના તરઘડિયા ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલા એક આઇસર ટ્રકમાં દારૂની હેરફેર થઈ રહી છે. આ હકિકતના આધારે સબ ઇન્સ એસ.વી.પટેલ અને તેમના મદદનીશો જયેશ શુકલા, જયેશ નિમાવત, અમીન ભલુર અને જીજ્ઞેશ મારૂએ તરઘડિયા પાસે વોંચ ગોઠવીને ટ્રકને ઝડપી લીધો હતો. ટ્રકની તલાશી લેતાં તેમાંથી રૂ. 17.20 લાખની કિંમતની દારૂની 5736 બોટલ મળી આવી હતી.’ આ અંગે રાજસ્થાનના બાડમેર પંથકના લાલારામ આઇદાનરામ ચૌધરી અને રમેશ મંગલારામ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 26.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણાથી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું અને જૂનાગઢ મોકલવામાં આવી રહયો હોવાનું માલુમ પડ્યું હતું.
અન્ય દરોડામાં કુવાડવા પોલીસ મથકના પી.આઈ એમ.સી. વાળાની રાહબરીમાં પી.એસ.આઈ બી.પી. મેઘલાતર તથા ટિમ તપાસમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા, મનીષભાઈ ચાવડા અને રઘુવીર ઇશરાણીને મળેલી બાતમીના આધારે બેટી રામપરા ગામ નજીક નદીના પુલ પાસેથી બોલેરો પિકઅપ વાન ન. આર.જે.27 જી.સી. 8750 ને અટકાવી તલાશી લેતા લોખંડના ટીપણામાંથી અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા 2,38,800ની દારૂની 540 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા લોખંડના ટીપણા, વાહન સહિત રૂ.7,51,300 નો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા કિશનલાલ ઉર્ફે સોનુ પ્યારચંદ મેઘવાળ (ઉ.વ 21), સોનુ હરિલાલ મેઘવાળ (ઉ.વ 23) ને ઝડપી લઈ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતાં.અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઈ જે.એસ.ચંપાવત તથા તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી, હરપાલસિંહ જાડેજા અને દેવાભાઈ ધરેજીયાને મળેલી બાતમીના આધારે ગોકુલનગર મેઈન રોડ પર વિજય હોટલ સામે રીક્ષા ન. જી જે 3 એ.વી 0536માંથી 48 બોટલ દારૂ ઝડપી લીધો હતો.દારૂના આ બોટલ સાથે પોલીસે કોઠારીયા રોડ પર દેવપરા શાકમાર્કેટ પાસે રહેતા સુનિલ ગિરીશભાઈ પરમાર (ઉ.વ 23) ને ઝડપી લીધો હતો.પોલીસે દારૂની બોટલ અને રીક્ષા સહિત કુલ રૂ. 76,400 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.