મોરબી ઝુલતા પુલ દુર્ધટના મામલે હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટીસ ફટકારી

મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે 135 થી વધુ લોકોનામોત થયા હતા. જોકે આ આંકડો સત્તાવાર હતો. પરંતુ બિનસત્તાવાર આંકડો કદાચ આ આંકડાથી વધારે હોઇ શકે છે. આ ઘટના બાદ માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોના હૃદય થંભી ગયા હતા. પરંતુ આજ સુધી ઓરેવા ગ્રુપના માલિક કે જેમણે આ બ્રિજની કામગીરીની જવાબદારી સંભાળી હતી તેમને જાણે કે આ કેસથી દુર જ રખાયા હતા. મૃતકોના પરિવાર તરફથી ઓરેવા ગ્રુપના માલિક સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે.
હાઇકોર્ટમાં વધુ એક અરજી ઓરેવા ગ્રુપના માલિક સામે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટેએ આ અરજી માન્ય રાખી છે. આ અરજીમાં કુલ છ પક્ષકારો રાખ્યા હતા.આ ઉપરાંત સંચાલન કરનાર ગ્રુપને પણ પક્ષકાર તરીકે જોડવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી. આ સિવિલ એપ્લિકેશન પર સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે.
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા મામલે જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા અંગેની કામગીરી કરી રહી છે. મોરબી નગરપાલિકાને જે સુપર સીડ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી નગરપાલિકાના 46 જેટલા ચૂંટાયેલા નગર સેવકો પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતા પહેલા તેમની વાત સાંભળવામાં આવે.
આ સમગ્ર મામલે હાઇકોર્ટ હાલના તબક્કે મોરબી પાલિકાના સભ્યોને પક્ષકાર તરીકે જોડાવા જરૂરી નહીં એવું જણાવ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકાર કોઈપણ નિર્ણય લે છે અને તેની સામે તમે દાવો કરી શકો છો. પરંતુ અત્યારે હાઇકોર્ટ દ્વારા તેમની માંગ ફગાવી દીધી હતી. સમગ્ર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે. તારીખ ૧૯ જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
