Placeholder canvas

ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતું ગુજરાત શિક્ષણ બોર્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28 માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ આજે જાહેર કરી દેવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની આ પરીક્ષા માર્ચના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવે છે પરંતુ કોરોના કાળના પગલે વિદ્યાર્થીઓને આ પરીક્ષાની તૈયારીઓ કરવામાં વધુ સમય મળે તેવા ઉદ્દેશ્યથી ચાલુ વર્ષે આ પરીક્ષા માર્ચના આખરી સપ્તાહ એટલે કે 28 માર્ચથી લેવાનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરી દેવામાં આવેલ હતો. જે બાદ આજે હવે વિષયવાર ધો. 10 અને 12ની આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. શિક્ષણ બોર્ડની આ પરીક્ષા 28માર્ચથી શરુ થયા બાદ તે 12 એપ્રિલ સુધી ચાલનાર છે.

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના વિષયવાર જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધો. 10ની પરીક્ષામાં સવારના 10 થી 1.15 કલાક દરમિયાન પેપર લેવામાં આવશે. જેમાં તા. 28મીના ગુજરાતી-હિન્દી પ્રથમ ભાષા, તા. 29નાં બેઝીક ગણીત, તા. 31ના સ્ટાન્ડર્ડ ગણીત, તા.4 એપ્રિલનાં વિજ્ઞાન, તા. 6 એપ્રિલનાં સામાજીક વિજ્ઞાન, તા. 7 એપ્રિલનાં ગુજરાતી દ્વિતીય ભાષા, તા. 8 એપ્રિલના અંગ્રેજી દ્વિતીય ભાષા અને 9 એપ્રિલના હિન્દી, સંસ્કૃત દ્વિતીય ભાષાના પેપર લેવાવાની સાથે ધોરણ 10ની આ પરીક્ષા પૂર્ણ થશે.

જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પેપર બપોરના 3 થી 6.30 દરમિયાન લેવામાં આવશે. જેમાં તા.28મીનાં ભૌતિક વિજ્ઞાન, તા. 30નાં રસાયણ વિજ્ઞાન, તા.1 એપ્રિલના જીવ વિજ્ઞાન, તા.4 એપ્રિલનાં ગણિત, તા. 6 એપ્રિલના અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)અને 8 એપ્રિલનાં ગુજરાતી-હિન્દી પ્રથમ ભાષાના પેપર લેવામાં આવશે.

જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ઉતર બુનિયાદી પ્રવાહની પરીક્ષા સવારના 10-30 થી 1.45 અને બપોરનાં 3થી 6.15 કલાક દરમિયાન એમ બે સેશનમાં લેવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં તા. 28નાં 10-30 થી 1.45 દરમિયાન સહકાર પંચાયતનું પેપર લેવાશે. આવી જ રીતે તા.29નાં ઇતિહાસ, તા.30નાં કૃષિ વિદ્યા, તા. 1 એપ્રિલનાં સેક્રેટીરીયલ પ્રેકટીસ, તા. 4 એપ્રિલના સામાજીક વિજ્ઞાન, તા. 5 એપ્રિલનાં સંગીત સૈધ્ધાંતિક, તા. 9 એપ્રિલનાં ચિત્રકામ સૈધ્ધાંતિક ને ચિત્રકામ પ્રાયોગીક અને તા. 12 એપ્રિલના રાજ્યશાસ્ત્રની પરીક્ષા સવારના 10-30થી 1-45 દરમિયાન લેવામાં આવશે.

શિક્ષણ બોર્ડની આ પરીક્ષામાં બે પેપર વચ્ચે એક-એક દિવસની રજા રાખવામાં આવેલ હોય વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળશે. શિક્ષણ બોર્ડે ધો.10-12ની પરીક્ષાનો વિષયવાર આ જાહેર કાર્યક્રમ જાહેરકર્યા બાદ બે-ત્રણ દિવસમાં એકશન પ્લાન પણ જાહેર કરી દેવામાં આવનાર છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા લેવાય તે માટે શિક્ષણ બોર્ડ સજ્જ બનેલ છે.

આ સમાચારને શેર કરો