પાટણ: સાંતલપુર તાલુકામાં જીરૂના પાક અને ખેતી વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ઇફ્કો દ્વારા બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના સહયોગ થી પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકામાં જીરૂના પાક બાબતે પરિસંવાદ અને ખેતી વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરણોસરી મુકામે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કો તથા રીલાયન્સ ફાઉન્ડેશન માર્ગદર્શિત બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જીરૂના પાક બાબતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત મિત્રોને જીરું તથા રાઈની સુધારેલી જાતની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ દવા અને વિવિધ રાસાયણિક ખાતરોના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ભૂપેશ વસોયા દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવો, નિષ્ણાતો તેમજ ખેડૂત મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમના હેતુ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રીરાકેશકુમાર વર્મા સાહેબ, ડીડીએમ, નાબાર્ડ, મુખ્ય અતિથિ તથા ઇફકોના સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી એન.એસ પટેલ સાહેબ, પાટણના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી ડી ડી પટેલ સાહેબ, બનાસ ફાર્મસ પ્રોડ્યુસર કંપનીના ચેરમેનશ્રી કરસનજી જાડેજા, ઇફ્કો એમસી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી શ્રી નિપુલભાઈ પટેલ અને રીલાયન્સ ફાઉન્ડેશન ના ગૌતમભાઈ શર્મા હાજર રહ્યા હતા. શ્રી નિપુલભાઇ પટેલ દ્વારા ઇફ્કોની વિવિધ દવાઓ તેનો ઉપયોગ અને દવાની ખરીદી પર અપાતા કિસાન સુરક્ષા વિમાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઇફકોના ફિલ્ડ ઓફિસર ભૂપેશ વસોયા દ્વારા ખાતરની કાર્યક્ષમતા અને તેના વિવેકપૂર્ણ ઉપયોગના વિવિધ પાસાઓ ની માહિતી આપી પાણી સાથેના દ્રાવ્ય ખાતરો, ઝીંક અને ગંધકનો પાક ઉત્પાદનમાં ફાળો તથા સાગરિકા ના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. પાટણથી પધારેલ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી ડી ડી પટેલ દ્વારા રાઈ અને જીરું ના પાક ની સુધારેલી જાત તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તથા પાકના સારા ઉત્પાદન માટે ફક્ત ડીએપીનો ઉપયોગ છોડી સંતુલિત ખાતર તરીકે ઇફ્કોના NPK 12:32:16 તથા 10 :26: 26 નો ઉપયોગ કરવા જણાવાયું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ઇફકોના સ્ટેટ માર્કેટિંગ મેનેજરશ્રી એન.એસ.પટેલ સાહેબે રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગથી થતી ખરાબ અસરો, બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની ખેતી પર અસરો, વરસાદની અનિયમિતતા તથા પારંપરિક દાણેદાર યુરિયાનો ઉપયોગ છોડી નેનો યુરિયાનો ઉપયોગ વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. આજના આધુનિક યુગમાં ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકે અને તેમા રોગ જીવાતના નિયંત્રણ માટે કુદરતી લીમડામાંથી બનાવેલ ત્રિગુણ તથા નિરંજનનો જીવાત નિયંત્રણમાં ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતમાં બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ચેરમેનશ્રી કરસનજી જાડેજા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો