Placeholder canvas

સરકાર ઝૂકી: ઢોર નિયંત્રણ બિલનું બાળ મરણ


ગત વિધાનસભામાં રજુ થયેલ ખરડો કાનૂન બને તે પુર્વે જ રાજકીય બનેલા મુદામાં સરકારની પીછેહઠ

ગાંધીનગર :ગુજરાતમાં માલધારી સમાજના વિરોધનું કારણ બનેલા ઢોર નિયંત્રણ કાનુન અંતે આજે વિધાનસભામાં શાસક અને વિપક્ષની સર્વસંમતિથી પાછો ખેંચી લેવાયો હતો. ગત વિધાનસભા સત્રમાં મંજુર કરાયેલા કાનૂનમાં માર્ગો પર રખડતા ઢોરો માટે માલધારીઓને જવાબદાર ઠેરવતો તથા પાલતુ ઢોરના ટેગીંગ અને તેમને સાચવવા સહિતની જવાબદારી માલધારી સમાજ પર નાંખવામાં આવી હતી. પરંતુ આ કાનૂન પસાર થતા જ માલધારી સમાજનો જબરો વિરોધ રાજયભરમાં ફાટી નીકળ્યો હતો અને આજે પણ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે માલધારી સમુદાયે રાજયભરમાં ‘દૂધ બંધી’ લાદી દીધી હતી અને સમગ્ર રાજયમાં દૂધનું વિતરણ બંધ કરી દીધું હતું.

જ્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી માલધારી સમાજનો આ વિરોધ શાસક પક્ષ માટે મુશ્કેલી સર્જે તેવા સંકેત મળતા જ લાંબા સમયથી સરકારે આ કાનૂન પરત લેવાની માનસિકતા બનાવી હતી. આજે વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા જાહેર કરાયું કે ઢોર નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે અને તેનાથી હવે માલધારી સમાજના આંદોલનનો પણ અંત આવશે તેવા સંકેત છે.

ગુજરાતમાં રખડતા ઢોરોની સમસ્યા જે રીતે ખાસ કરીને મહાનગરોમાં વિકટ બની છે તે બાદ હાઈકોર્ટના વારંવાર આકરા ઠપકા પછી રાજય સરકારે ઢોર નિયંત્રણ કાનુન બનાવવા માટે વિધાનસભામાં ખરડો રજુ કરીને મંજુર કરાવ્યો હતો પરંતુ તે કદી કાનૂન બની શકયો નહી અને રાજયપાલે પણ બે દિવસ પહેલા આ ખરડો સહી કર્યા વગર વિધાનસભાને પરત મોકલ્યો હતો અને આ સાથે ઢોર નિયંત્રણ બીલનું બાળ મરણ થયુ છે.

આ સમાચારને શેર કરો