skip to content

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરનો ભાવ વધારા પાછો ખેંચ્યાની મનસુખ માંડવિયાની જાહેરાત

ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી વધારી છે. આ બાબતે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી.

ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા આદેશ અપાયો છે. કેન્દ્રએ ખાતર પર અપાતી સબસિડી વધારી છે, જેથી ખેડૂતો પર વધારાનો બોજ નહીં પડે.

ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારે ખાતર સબસિડી વધારીને રૂ. 28,000 કરોડ કરી છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે પણ ખેડૂતોને પહેલાના જ દરે ખાતર મળશે.

તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં ભારત સરકારે ખેડૂતોને સમાન દરે ખાતર આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના લાભ માટે યુરિયા, ડીએપી, એસએસપી, એનપીકે ખાતરો પરની સબસિડીમાં વધારો કર્યો છે.

કયા ખાતરમાં કેટલી સબસિડી ?
યુરિયામાં પ્રતિ બેગ રૂ. 2 હજારની સબસિડી
DAPમાં પ્રતિ બેગ રૂ. 1,650ની સબસિડી
SSPમાં પ્રતિ બેગ રૂ. 375ની સબસિડી
NPKમાં પ્રતિ બેગ રૂ. 1 હજારની સબસિડી

આ સમાચારને શેર કરો