ગાંધી જયંતી: પોતાના જન્મદિવસે બાપુ શું કરતા? જાણવા વાંચો

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે.

ગાંધીજી તેમનો જન્મદિવસ ઉજવતા નહતા. પરંતુ લોકો તેમના જન્મદિવસનો ઉત્સવ ઉજવતા હતા. ગાંધીજીએ વર્ષ 1918માં તેમનો જન્મદિવસ ઉજવનારા લોકોને કહ્યું હતું કે ‘મારા મૃત્યુ બાદ મારી કસૌટી હશે કે હું જન્મદિવસ ઉજવવાને લાયક છું કે નહીં.’

જન્મદિવસે બાપૂ શું કરતા હતા?
ગાંધીજી તેમના જન્મ દિવસે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, ચરખો ચલાવતા હતાં, અને મોટાભાગે મૌન ધારણ કરતા હતા. કોઈ પણ મહત્વપૂર્ણ દિવસ તેઓ આ જ રીતે મનાવતા હતા.
પરંતુ સરકાર આજે ગાંધી જયંતી પર જાત જાતના સમારોહનું આયોજન કરે છે. જો કે કોરોના કાળમાં તો આ અનેક બાબતો ધ્યાનમાં રાખીને સમારોહનું આયોજન કરવું પડે છે. વર્ષભર કાર્યક્રમો ચાલતા રહે છે. સરકાર જો ખરેખર ગાંધીજીનો જન્મ દિવસ ઉજવવા માંગતી હોય તો તેઓએ ગાંધીના વિચારો પર સમાજને આગળ લઈ જવાની કોશિશ કરવી જોઈએ.હાલ સરકાર ગાંધીના જન્મદિવસને સફાઈ સાથે જોડે છે.
ગાંધી જયંતીના પરિપેક્ષ્યમાં સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન ચાલે છે, ‘જો સફાઈ અંગે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કરનારાઓને એવી સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ, જેનાથી તેમણે ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈકર્મીઓને મોતના મોમાં ધકેલવા એ સરકાર માટે શરમની વાત છે.’

અબ્દુલ ભાલારા સાહેબનું અછાંદસ વ્યંગ કાવ્ય
૨ ઓક્ટોબર, ૨૦૨૦ મહાત્મા ગાંધી જન્મ જયંતીની હાર્દિક શુભેચ્છા સાથે આ અછાંદસ વ્યંગ કાવ્ય રચના કપ્તાનના સર્વે વાંચક મિત્રોને સહૃદયી સમર્પિત ……………

“બાપુને સપનામાં લઇ ગયો”
એકવાર ગાંધી બાપુને પેન્સિલથી દોરી હું સપનામાં લઇ ગયો
મોઢું દોરું કે તરત વૈષ્ણવજન… ગાવા માંડે
ને પગ દોરું ત્યાં બાપુ આગળ ચાલવા માંડે
મેં કહ્યું, બાપુ ઉભાતો રહો મારે તમને આબેહૂબ દોરવા છે
સહેજ કરડી નજર કરી બાપુ બોલ્યા “તું મને દોરીશ !?!?”
મેં તરત શબ્દ બદલ્યો ” ના, બનાવીશ”
અટ્ટહાસ્ય જેવું સ્મિત કરી બાપુ એ કહ્યું “અત્યાર સુધી તમે લોકોએ એ જ કર્યું છેને !!!?!!”
બાપુ આગળ કંઈ બફાટ કરે એ પહેલા મેં રબ્બરથી મોં ભૂંસી નાખ્યું !!!
બાપુ મૌન!!! … હું નિઃશબ્દ!!! …… ને નીરવ.. શાંતિ !!! …..
થોડીવાર પછી ફરી મેં આંખો ને મોં ચીતરયા
ડુંગળી જેવડા ડોળા કાઢી બાપુ તરત તાડુક્યા
“ભૂંસી નાખ “
“હું રિસાઈ ગયો છું “
“મને આખ્ખે આખ્ખો ભૂંસી નાખ, અહીંથી!!!”
ને સાંભળ, બકા, દાંડી-દાંડી, ખાદી-ખાદી એ હવે ગઈ સદીની વાત છે
(ડાબા હાથની પહેલી આંગળીને અંગુઠા નીચે ઘસતા ઘસતા… બાપુ)
ખાલી ગાંધી, ગાંધી, ગાંધી ……. કર, એ આ સદીનો શ્રેયસ્કર જાપ છે
ને જતા જતા બાપુએ ભજન ઉપાડ્યું…..
“વૈષ્ણવ જન તો તેને કહિયે .. જે પીડ પરાઈ જાણે રે…
પણ કોણ જાણે કેમ, મને સંભળાયું એમ….
‘પૈ’ષ્ણવજન તો તેને કહિયે ……..
જે સપનાને લીલા, પીળા ,… ગુલાબી રંગોથી રંગી જાણે રે”…..

અબ્દુલ એમ. શેરસીયા (ભાલારા)
મોહંમદી લોશાળા – ચંદ્રપુર (વાંકાનેર)
મો, : ૯૯૨૫૦૫૦૫૯૫
