લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર, પોલીસે કરી નાકાબંધી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લીંબડી સબ જેલમાંથી કાચા કામનાં ચાર કેદીઓ આજે સવારે ભાગી ગયા છે. જે બાદ જેલનાં અધિકારીઓ જાણે ઉંધમાંથી ઉઠ્યાં હોય તેમ તપાસ હાથ ધરી છે. હાલ તો સ્થાનિક પોલીસે આ ફરાર કેદીઓની શોધખોળ હાથ કરીને નાકાબંધી કરી છે.
મહત્વનું છે કે, નેશનલ હાઇવે પર લીંબડી ગામ આવેલું છે. જેના કારણે આ કેદીઓ ભાગીને અન્ય રાજ્યોમાં પણ ફરાર થઇ શકે છે. જોકે, હાલ તો પોલીસે તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઢવીને તપાસ હાથ ધરી છે. આ સબજેલની ભીંતો પર લગાડેલા તાર પણ ઉપરની બાજુથી થોડા કપાયેલા દેખાય છે. જોકે, તપાસ અને સીસીટવીનાં ફૂટેજ જોઇને જાણ થશે કે આ કેદીઓ કઇ રીતે ફરાર થઇ ગયા.
આ પહેલા પણ સુરેન્દ્રનગરની લીંબડી સબ-જેલમાંથી એક કેદીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વીડિયો લાઇવમાં જે રીતે જેલની અંદરનો માહોલ દેખાય છે, તે પરથી જણાતું હતું કે કેદીઓને ત્યાં ગેરકાયદે સુવિધાઓ પૂરી પડાઈ રહી છે. વીડિયોમાં જોવા મળતું હતું કે જેલની કોટડીની અંદર ફોન, સિગારેટ, તમાકુ, મસાલા જેવી તમામ પ્રતિબંધિત વસ્તુઓ ઉપલબ્ધ છે. એક કેદી એવું કહેતાં સંભળાય છે કે, આ તમામ સુવિધાઓ આપવા પાછળ પોલીસ પોતે જ જવાબદાર છે. તેઓ કહે છે કે ‘પોલીસ અધિકારીઓ ત્રણ ગણા રૂપિયા લઈ પ્રતિબંધિત વસ્તુઓ સુવિધાઓ પૂરી પાડે છે.’