Placeholder canvas

રાજકોટમાં બ્રિટનના નવા વાયરસના પાંચ શંકાસ્પદ દર્દી

રાજકોટ મહાપાલિકાના પશ્ર્ચિમ ઝોન હેઠળના વોર્ડ નં.8માં અમિન માર્ગ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક આર્કિટેકટ તરીકે પ્રેક્ટિસ કરતાં ઠકકર પરિવારના યુવાન પુત્ર હિત ઠકકર (ઉ.વ.31) તાજેતરમાં તા.15 ડિસેમ્બરના રોજ લંડનથી રાજકોટ આવ્યા હતા. દરમિયાન તેમને લક્ષણો જણાતા તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા ઘરના અન્ય સભ્યો જેમાં તેના માતા-પિતા અને ભાઈ-ભાભીનો રિપોર્ટ કરાવતા તે તમામના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. દરમિયાન આ બ્રિટનના નવા સ્ટ્રેઈનના કોરોના વાયરસનો કેસ હોવાની શંકા ઉપસ્થિત થતાં હાલના તબકકે પરિવારના કુલ પાંચ સભ્યો પૈકી એકને પેટ્રિયા હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને અન્ય ચાર સભ્યોને સમરસ હોસ્ટેલમાં ફેસિલીટી કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હિત ઠકકર તા.15 ડિસેમ્બરના રોજ લંડનથી રાજકોટ આવ્યા હતા અને તા.29 ડિસેમ્બરના રોજ તેનો આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન તેના ઘરના સભ્યોમાં માતા-પિતા અને મોટાભાઈ તેમજ ભાભી સહિતનાઓના પણ રિપોર્ટ કરાવવામાં આવતા તે તમામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હિત ઠકકરના મોટા ભાઈ કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે ઓફિસ ધરાવતા હોવાનું અને આર્કિટેકટ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળતા તેમની ઓફિસમાં કામ કરતાં 6 સભ્યો કોન્ટેકટપર્સન હોય તેમને ગાઈડલાઈન મુજબ ગવર્નમેન્ટ ફેસિલીટી કવોરન્ટાઈનમાં રાખી ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. ઓફિસ સ્ટાફના સભ્યો પૈકીના એક સભ્યને આઈસોલેટ કરી તેનો ટેસ્ટ કરતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંતના અન્ય તમામ કોન્ટેકટ પર્સનનો પણ 14 દિવસમાં ટેસ્ટ કરવામાં આવશે. હેલ્થ વિભાગની ગાઈડલાઈન મુજબ યુ.કે.થી આવેલ હિત ઠકકરનું સેમ્પલ લઈ નવા સ્ટ્રેઈન મુજબના કોરોનાનું તો નથી ને ? તેની ચકાસણી માટે પૂને સ્થિત વાયરોલોજિ વિભાગમાં મોકલવામાં આવેલ છે અને તે સેમ્પલનો રિપોર્ટ સંભવત: સોમવારે સાંજ સુધીમાં અથવા તો મંગળવારે સવાર સુધીમાં આવી જશે તેમ મનપાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો