રાજકોટમાં ઓડી કારનાં બોનેટમાં અચાનક લાગી આગ: લોકોએ ઉતાર્યો વીડિયો
રાજકોટ : શહેરમાં છેલ્લા સાત દિવસમાં કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. બુધવારનાં રોજ રાજકોટમાં લાખો રૂપિયાની ઓડી કારનાં બોનેટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કારચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા. ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.
તો બીજી તરફ 7 માર્ચનાં રોજ આટકોટ હલેન્ડા પાસે તુલસી હોટલની સામે લેન્ડ રોવર કારમાં આગ લાગી હતી. આ કાર બીજા કોઈની નહિ પરંતુ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની હતી. હલેન્ડા પાસે લેન્ડ રોવર કારમાં અચાનક આગ લાગતા અંદર બેઠેલા તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જોકે, આગ લાગવાના કારણે લેન્ડ રોવર કાર બળીને ભસ્મ થઇ ગઇ હતી. શોર્ટ સરકીટનાં કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગની જાણ થતા આજુબાજુ વાડીવાળા લોકો દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કોશિશ કરી હતી પણ આગ એટલી હતી કે રોડ બંધ કરવો પડયો હતો. રાજકોટથી ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારનાં રોજ રાજકોટનાં કાલાવડ રોડ પર આગજનીનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટનાં કે.કે.વી સર્કલ પાસે એક વાઈટ કલરની કાર ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક કારની અંદરથી ધુમાડા નીકળતા કારચાલક કારની બહાર નીકળી ગયો હતો. ત્યારે ધીમે ધીમે ધુમાડા બાદ આગ વધુ પ્રસરતા કે.કે.વી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ વહેલું ખોલવાની ફરજ પડી હતી. જેથી કરીને ટ્રાફિક સિગ્નલ પર ફસાયેલી તમામ કાર કે.કે.વી સર્કલ ક્રોસ કરી શકી હતી. બીજી તરફ કે.કે.વી સર્કલ પર તૈનાત વોર્ડન તેમજ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓને જવાનોએ આગ લાગેલ કારની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. તો સાથે જ ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનાં જવાનો ઘટનાસ્થળે પહોંચી લિક્વિડ ફોમનો મારો ચલાવ્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી હતી. તો બીજી તરફ આગ જનીનો બનાવ સામે આવતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તો થોડીક વાર પૂરતો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી.