સરકાર ફરી ગઈ.! :કોરોનાથી મૃત્યુમાં કુટુંબને રૂા.4 લાખની સહાય નહી મળે
શનિવારે રાહત જાહેર કરી કલાકોમાં પાછી ખેચી લીધી: સરકારે રાતોરાત જાહેરનામું બદલાવ્યું: કોરોના સામે ખર્ચ માટે રાજય સરકારના ‘હાથ’ પણ બાંધી લીધા: ડિઝાસ્ટર રાહત ફંડના કુલ 25% જ વાપરી શકાશે: તબીબી ખર્ચ માટે પણ નિયંત્રણ
દેશમાં વ્યાપક રીતે કોરોનાનો ભય છે અને કેન્દ્ર તથા રાજય સરકારો તેની સામે લડવા માટે સજજ થઈ રહી છે તે વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે કોરોનાથી થતા મૃત્યુમાં જે તે વ્યક્તિના કુટુંબીજનને રૂા.4 લાખનું વળતર આપવાની જે જાહેરાત કરી હતી તે અચાનક જ પરત ખેચી લીધી છે. કેન્દ્ર સરકારે અગાઉ જે આદેશ ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યો હતો તેમાં સુધારો કર્યો છે અને કોરોના મૃતકના પરિવારને કોઈ વળતર અપાશે નહી તેવું આડકતરી રીતે જણાવવા નવા સુધારેલા ગેઝેટમાં વળતરની જોગવાઈનો ઉલ્લેખ જ કર્યો નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ રાજયોને એક પત્ર લખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ જેને મહામારી જાહેર કરી છે તે કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખવા મોનેટરીંગ કરવા તથા કેન્દ્ર અને રાજયોની આરોગ્ય ગાઈડલાઈન મુજબના પગલા લેવા માટે જણાવ્યું હતું એટલું જ નહી કોરોનાને એક આફત ગણીને તેમાં મૃતકના પરિવારને નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફંડમાંથી નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. અગાઉ સરકારે એ પણ નિશ્ચિત કર્યુ કે કોરોનાની સારવારનો ખર્ચની રકમ ફીકસ કરીને રાજય સરકાર સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડમાંથી કોરોનાના દર્દીર્ઓ માટે અલગ વોર્ડ કપડા-ભોજન અને આરોગ્ય સંભાળ ખર્ચ તેમાંથી કરવા માટે જણાવ્યું હતું. જો કે જેઓ ઘરમાં એકાંતવાસમાં છે તેઓનો ખર્ચ સરકાર ઉઠાવતી નથી. ઉપરાંત કેટલા કોરોના કેમ્પ ઉભા કરવા તેનો સમયગાળા અને કેટલા લોકોને દાખલ કરવા તે પણ રાજયો પર છોડયું હતું.
જો કે સરકારે જણાવ્યુ હતું કે આ પ્રકારના કેમ્પ કેટલા વધારે દિવસ ચલાવવા તે પણ રાજય પર છોડયું છે. જો કે ખર્ચ માટે રાજય સરકારોના હાથ બાંધી દેતા સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડમાં જે કુલ ભંડોળ હોય તેનતા 25% થી વધુ રકમ આ માટે ખર્ચાશે નહી તે મર્યાદા બાંધી દેવામાં આવી છે. રાજય સરકાર કોરોનાના શંકાસ્પદ દર્દીના સેમ્પલીંગ લેવા ટેસ્ટીંગ લેબ ઉભી કરવા અને અન્ય સંબંધીત ખર્ચ પણ આ ભંડોળમાંથી કરી શકશે. ઉપરાંત આ કામગીરી સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ પોલીસ વિ.ને સુરક્ષા ઈકવીપમેન્ટ ખરીદવાના હોય તેનો ખર્ચ પણ આ ફંડમાંથી કરાશે અને થર્મલ સ્કેનર તથા વેન્ટીલેટર વિ. ખરીદવા માટે પણ આ ભંડોળનો ઉપયોગ કરી શકશે.