દિવાળીના દિવસે જ સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી: ભૂકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિમી ઉત્તરમાં


4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

દિવાળીના દિવસે જ ગુજરાતમાં કચ્છની ધરા 4.8ના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિલોમીટર ઉત્તરમાં હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી મળ્યા. આ આંચકો કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનુભવાયો હતો.

આજે બપોરે 3:15 કલાકે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની અસર કચ્છના અબડાસા અને લખતર તાલુકામાં પણ જોવા મળી હતી.
અગાઉ વહેલી સવારે 7:07 કલાકે પણ કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ આંચકાની અસર આસપાસના 10 કિમી સુધીના વિસ્તારમાં જોવા મળી હતી.
અગાઉ આજે સવારે આસામ અને મણીપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં સવારે 10:19 કલાકે આસામના તેજપુરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જ્યારે મણીપુરના મોઈરંગમાં સવારે 6 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.

આ સમાચારને શેર કરો