લે બોલ,હવે તો દીપડો ઠેઠ રાજકોટમાં ધુસ્યો: પ્રદ્યુમનપાર્ક ઝુમાં હરણનું મારણ કર્યુ.
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આતંક મચાવી રહેલ દિપડો હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સુધી પહોંચી ગયો છે. અહીના વિખ્યાત પ્રદ્યુમન પાર્ક ઝુમાં ગઈકાલે રાત્રીના એક દિપડો ઘુસી ગયો છે અને તેણે એક હરણનું મારણ પણ કર્યુ હોવાના સમાચારથી પાર્ક તાત્કાલીક અસરથી સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વનવિભાગને જાણ કરીને દિપડાની શોધખોળ કરવા અને તેને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં આ રીતે કોઈ ખતરનાક વન્ય પ્રાણી ઘુસ્યુ હોય તેવી સંભવત: પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દિપડાની સંખ્યા પણ સતત વધતી જાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર માણસો પર પણ હુમલા કરે છે તથા પશુઓના મારણ પણ કરે છે. જેમાં અનેક દિપડાઓને ઝડપી લેવાયા છે પરંતુ રાજકોટમાં આ દિપડો કયાંથી આવી ચડયો તે અંગે વનવિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં છે.
ગઈકાલે રાત્રે હરણના પાંજરામાં ઘુસીને એક હરણનું મારણ કર્યુ હતું. બાદમાં દિપડો અહીથી અદ્રશ્ય થઈ ગયો છે તેથી તે ઝુમાં છે કે બહાર ચાલ્યો ગયો છે તે અંગે તેમના ફુક માર્ક મેળવીને વનવિભાગના અધિકારીઓ નિશ્ચિત કરશે. ઉપરાંત સમગ્ર પાર્કમાં દિપડાની તલાશી શરુ કરવામાં આવી છે તથા તેના ભોજન જેવા નાના પ્રાણીઓને સલામત કરી દેવામાં આવ્યા છે. પ્રદ્યુમનપાર્ક ઝુમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ છે. દિપડા પણ અહી રાખવામાં આવ્યા છે તે સમયે બહારના જંગલી દિપડાનું આગમન મુશ્કેલી ઉભી કરે તેવા સંકેત કહી શકાય.