Placeholder canvas

ગ્રામ્ય વિસ્તારની દરેક સ્કૂલોમાં ધોરણ ૮ના વર્ગો ચાલુ કરવા અને ધોરણ ૬–૭ના વર્ગોને મર્જ ન કરવાની કે.ડી.બાવરવાની માંગ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8ના વર્ગો ચાલુ કરવા તેમજ ધોરણ 6-7ના વર્ગોને મર્જ કરવાના નિર્ણય કે જેના થકી પ્રાઇવેટ સ્કુલ ધારકોને જ ફાયદો થવાનો છે તેવા હુકમોમાં ફેર વિચારણા કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવો કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ધોરણો 8ના વર્ગો ચાલુ કરવા તેમજ ધોરણો ૬-૭ ના વર્ગોને મર્જ કરવા માટેના હુકમો કરવામાં આવેલ છે. આવા હુકમોના સંદર્ભે જીલ્લા પંચાયતના શિક્ષણ અધિકારીઓ દ્વારા જીલ્લાની તમામ શાળાઓમાંથી કઈ-કઈ શાળામાં ધોરણ 8ના વર્ગો ચાલુ કરવા અને કઈ-કઈ શાળાઓમાં 6 અને 7ના વર્ગોને મર્જ કરવા તે બાબતે હુકમો કરવામાં આવેલ છે. આવા હુકમોમાં પણ એક જ રાજ્યમાં દરેક જીલ્લામાં અલગ અલગ ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ હોવાનું માલુમ પડેલ છે. જેમ કે રાજકોટમાં ૨૦ વિદ્યાર્થીઓ માટે કલાસ ચાલુ કરવા અને મર્જ કરવાનું નક્કી કરેલ છે, તો મોરબીમાં આ સંખ્યા કઈક જુદી જ છે. તો શું એક જ રાજ્યમાં જિલ્લે-જિલ્લે અલગ અલગ ધારાધોરણો છે?

શિક્ષણ વિભાગના આ તઘલખી નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારની ઘણી શાળાઓ બંધ થશે. ગામડાના ગરીબ અને મજુર વર્ગના બાળકોને અભ્યાસ બંધ કરવાનો સમય આવશે અથવા તો અન્ય ગામોમાં અભ્યાસ અર્થે જવું પડશે અથવા તો પ્રાઇવેટ સ્કુલમાં જવા મજબુર બનશે. એટલે કે સરવાળે આ નિર્ણયથી ફાયદો તો પ્રાઇવેટ સ્કૂલોવાળાઓને જ થશે અને નુકશાન ગરીબ અને મજુર વર્ગને થશે. સરકારે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અધતન સુવિધાઓ આપીને બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં ના જતા સરકારી સ્કુલમાં અભ્યાસ કરવા આવો તે માટે પ્રોત્સાહન આપવું જોઈ તેની જગ્યાએ બાળકોને પોતાના જ ગામમાં આવી સુવિધા ન આપીને અભ્યાસથી વિમુખ થવા અથવા તો પ્રાઇવેટ સ્કુલમાં જવા મજબુર કરતા હોય તેવું આ નિર્ણય પરથી લાગી રહ્યું છે.

સરકારે જાણે કે બધા જ નિર્ણયો કરવામાં વિધાર્થીઓના વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તે માટે દરેક ગામમાં એસ.એમ.સી.નું ગઠન કરેલ છે પરંતુ આ નિર્ણયમાં ક્યાય એસ.એમ.સી.ના લોકોને વિશ્વાસ લેવા માં આવેલ નથી તેવું એસ.એમ.સી. અધ્યક્ષ રમેશભાઈ ખાખરીયા (હડમતીયા પ્રાથમિક સ્કુલ) સાથે વાત કરતા માલુમ પડેલ છે. તો આ એસ.એમ.સી.નું ગઠન કરવાનો ઉદેશ શું છે? તેવું પણ લોકો પૂછી રહ્યા છે. એક બાજુ દેશમાં અને રાજ્યમાં રોજગાર ક્ષેત્રે બેકારી વધી રહી છે ત્યારે આવા નિર્ણયથી ઘણા શિક્ષકો ફાજલ પડશે અને નવા શિક્ષકોની ભરતી થશે નહી. જેથી, શિક્ષિત બેકારોની સંખ્યામાં પણ વધારો થશે અને પ્રાઇવેટ સ્કૂલોમાં તો આવા લોકોનું શોષણ જ થાય છે તે જગ જાહેર છે.

આવા નિણર્યો દ્વારા અગાઉ પણ સરકાર દ્વારા આશરે ૭૦૦૦ જેટલી સ્કૂલો બંધ કરેલ છે અને આ હુકમથી તે સંખ્યામાં પાછો વધારો થશે. તો નમ્ર અપીલ સાથે માંગણી છે કે આ નિણર્યમાં ફેર વિચાર કરી દરેક સ્કૂલોમાં ધોરણ ૮ના વર્ગો ચાલુ કરવામાં આવે અને ધોરણ ૬–૭ના વર્ગોને મર્જ કરવામાં ના આવે. જ્યાં ચાલે છે ત્યાં જ ચાલુ રાખવામાં આવે. ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક સ્કૂલોમાં અદ્યતન સુવિધાઓ આપવામાં આવે.વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં ના જતા સરકારી સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવવા પ્રેરાય તેવા પગલાઓ લેવામાં આવે. તો આ બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડે તે પહેલા યોગ્ય કરવા વિનંતી કરાઈ છે.

આ સમાચારને શેર કરો