દિલ્હી AIIMSની ટીમ રાજકોટમાં, મેડિકલ કોલેજની બિલ્ડિંગ અંગે થશે નિર્ણય
રાજકોટ : રાજકોટમાં AIIMS બનવાની છે તે માટે દિલ્હી એઇમ્સની ટીમ શહેરમાં પહોંચી છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલ માટે આજે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને મેડિકલ કોલેજનાં ડિન સાથે બેઠક કરશે. દિલ્હી એઇમ્સથી ડો. સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરા, ડો. સુરજીત ઘટા, ડો. જગદીશ ગોયલની ટીમ રાજકોટમાં આવી છે. એઇમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ, મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડિંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની માહિતી એકત્ર કરશે.
મળતી માહિતી પ્રમાણે એઇમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. નવી દિલ્હી ખાતે આવેલી AIIMS ભારતમાં આવેલી તમામ AIIMSનું વડું મથક ગણાય છે. એઇમ્સ હોસ્પિટલ બની ગયા બાદ આનો ફાયદો રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને થશે. આથી, રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવાનો લાભ લેવા માટે હવે અમદાવાદ સુધી લંબાવું નહીં પડે.
શહેરમાં બનનારી અદ્યતન AIIMS 1100 કરોડ રૂપિયાનાં ખર્ચે આકાર પામશે. 750 બેડની કુલ કેપેસિટી તથા વિવિધ 22 જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ 225 સુપર સ્પેશ્યાલિટી બેડ, 75 ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં 30 બેડ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત 200 એકર જમીનમાં વિકસિત થઇ રહેલી AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંકુલમાં કુલ 16 લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલિટીનો સમાવેશ કરવામાં આવશે.