Placeholder canvas

કોંગ્રેસના ‘ટ્રબલ શૂટર’ અહેમદ પટેલનું નિધન

71 વર્ષિય દિગ્ગજ નેતાને 1 મહિના પૂર્વે કોરોના થયો’તો બુધવારે વહેલી સવારે 3:30 કલાકે દેહ છોડ્યો, મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરેની શોકાંજલિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઇરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વિટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, અત્યંત દુ:ખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું, આજે દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓ હંમેશા પાર્ટીના મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. હંમેશા તેમની કમી મહેસૂસ થશે.

એહમદભાઈ પટેલ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 1985 સુધી તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા હતા. તેઓ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. જાન્યુઆરી 1986માં તેઓ ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી રહ્યા હતા. કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહ સહિત અનેક અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અહમદ પટેલે સૌ પ્રથમ વાર 1977માં ચૂંટણી જીતી લોકસભામાં એન્ટ્રી કરેલી

કોરોનાના કારણે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. ગુજરાતમાં ભરુચ જિલ્લાના અંકલેશ્ર્વર જન્મેલા સ્વ. અહમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ અને પાંચ વખત રાજયસભા સાંસદ રહ્યા હતા. અહમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી 1977માં ભરુચથી લડી હતી, જેમાં તે 62,879 મતોથી જીત્યા હતા. 1980માં તેઓ ફરી ચૂંટણી લડયા હતા અને આ વખતે તેઓ 82,844 મતોથી જીત્યા હતા. 1984માં ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેમણે 1,23,069 મતોથી જીત હાંસલ કરી હતી. 1993 થી અહમદ પટેલ રાજયસભાના સાંસદ હતા અને 2001 થી સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર પણ હતા.

વર્ષ 2004 અને 2009માં થયેલ સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને શ્રેય પણ મોટેભાગે તેમને જ જાય છે.સ્વ. અહમદ પટેલના અંગત જીવનની ઝાંખી કરીએ તો તેમના 1976માં મેમુના અહમદ સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી છે.અહમદ પટેલે રાજકીય સફરની શરુઆત નગરપાલિકા ચૂંટણીથી કરી હતી. ત્યારબાદ તેઓ પંચાયતના સભાપતિ પણ બન્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ રાજય કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની કટોકટી બાદ થયેલ 1977માં સામાન્ય ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી પણ આ ચૂંટણીમાં અહમદ પટેલની જીત થઈ હતી, અને પ્રથમવાર લોકસભામાં આવ્યા હતા. આમ અહમદ પટેલની રાજકીય કારકિર્દી ઉજજવળ રહી છે.

આ સમાચારને શેર કરો