Placeholder canvas

કોલ્ડવેવ: સોમવારથી ઠંડીનો પારો એક આંકડામાં આવી જશે -અશોક પટેલ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહી : 28મીથી તાપમાનનો પારો ‘સિંગલ ડિઝીટ’માં સરકશે : પવન પણ વધતા કાતિલ ઠાર અનુભવાશે : તા.27 સુધી અત્યાર જેવી જ સામાન્ય ઠંડી રહેશે.

ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો ચાલે છે. ત્યારે છેલ્લા ચાર દિવસોમાં ઠંડી જોર બતાવશે અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાંક દિવસોથી સામાન્ય ઠંડી પડે છે. ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચે રહે છે.પરંતુ મહતમ તાપમાન નોર્મલ આસપાસ જ પ્રવર્તી રહ્યું છે. નોર્મલ તાપમાન 14 ગણાય છે. એટલે નોર્મલ કરતા 1.50 ડીગ્રી નીચુ રહે છે.

અશોકભાઈ પટેલે 25 થી 31 ડીસેમ્બરનાં સમયગાળાની આગાહી કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તા.25 થી 27 ના ત્રણ દિવસ દરમ્યાન પ્રવર્તમાન માહોલ-યથાવત રહેશે.અર્થાત અત્યાર જેવી સામાન્ય ઠંડી જ રહેવાની શકયતા છે. પરંતુ તા.28 મીને સોમવારથી ઠંડી અસલરૂપ દેખાડવા લાગશે…

તા.28 થી 31 ડીસેમ્બર દરમ્યાન તાપમાનનો પારો ગગડીને સીંગલ ડીજીટમાં આવી જશે અને શિયાળાની પ્રથમ કોલ્ડવેવ હાલત સર્જાશે. ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો નીચે સરકીને 8 ડીગ્રી કે અમુક સેન્ટરોમાં તેનાથી પણ નીચે ઉતરી જવાની શકયતા છે.ઠંડીની સાથે પવન પણ વધશે એટલે કાતિલ ઠારનો અનુભવ પણ શકય છે.

અશોકભાઈ પટેલે કહ્યું હતું કે તા.26 ડીસેમ્બર આસપાસ ઉતર ભારતમાં નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ સર્જાવાની શકયતા છે અને તેના પ્રભાવ હેઠળ ઉતરીય રાજયોમાં વરસાદ તથા પર્વતીય ભાગોમાં હિમવર્ષા પણ થવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો