મુખ્યમંત્રીના આગમન સમયે રાજકોટ કલેકટર કચેરીએ વાંકાનેરના પેટ્રોલ પંપ સંચાલકની અટકાયત

ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણ થઈ રહ્યા હોવાના કારણે તેઓ રજૂઆત કરવા આવેલ : મીડિયાના ગ્રુપ વચ્ચે ઊભા રહી મુખ્યમંત્રીની રાહ જોતા હતા, ત્યાં ક્રાઇમ બ્રાંચે અટક કરી…

શહેરમાં કોરોનાના કેસ સાથે મોત પણ વધતા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજકોટની મુલાકાતે છે અહીં જિલ્લા કલેક્ટર કચેરીમાં બન્નેએ અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કલેકટર કચેરીએ હાજર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવવાના હોવાથી ક્રાઇમ બ્રાંચની ટીમ કલેકટર કચેરીએ સ્ટેન્ડ બાય હતી. ત્યારે એક વ્યક્તિ મુખ્યમંત્રીની જ્યાંથી પસાર થવાના હતા ત્યાં આવવા પ્રયત્ન કરી રહ્યો હતો. જેની અટકાયત કરી પૂછપરછ કરતા પોતાનું નામ અમિતભાઈ જેન્તીભાઈ માંકડીયા (ઉ.વ.45) જણાવ્યું હતું અને પોતે વાંકાનેરના મકનસર ગામ નજીક પેટ્રોલ પમ્પ ચલાવતા હોવાનું કહ્યું હતું.

મુખ્યમંત્રી નજીક જવાનો પ્રયત્ન કેમ કરતા હતા તે અંગે પૂછતાં અમિતભાઇએ કહ્યું હતું કે, તેના પેટ્રોલ પમ્પ આસપાસ ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. જેથી તેના વ્યવસાયમાં ભારે નુકસાની આવી રહી છે. આ અંગે મુખ્યમંત્રીને વાકેફ કરવા અને બાયો ડીઝલનું વેચાણ અટકાવવા મૌખિક રજુઆત કરવા તે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તે સમયે ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવી અને એસઓજી પીઆઇ રાવલે શખ્સની અટક કરી હતી.

આ સમાચારને શેર કરો