આગાહી: અરબી સમુદ્રમાં એક સાથે બે લો-પ્રેસર, બુધ,ગુરુ અને શુક્રમાં માવઠાની શકયતા
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: કાલથી તાપમાન ઉંચકાશે, વાદળો દેખાશે, પવન અને ભેજનું જોર રહેશે: શનિવારથી ઉષ્ણતામાન ફરી નીચુ આવશે.
શિયાળાના આગમન છતાં પણ હજુ ઠંડી જામતી નથી તેવામાં અરબી સમુદ્રમાં એક સાથે બે લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી છે. તેની અસરે સૌરાષ્ટ્ર-કચ્છમાં 4થી6 ડિસેમ્બર દરમ્યાન બે દિવસ કમોસમી હળવો વરસાદ કે છુટાછવાયા ઝાપટા વરસવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ કહ્યું કે અરબી સમુદ્રમાં એક સાથે બે લો-પ્રેસર દક્ષિણ-પશ્ર્ચિમી અરબી સમુદ્રમાં છે અને પશ્ર્ચિમ-ઉતરપશ્ર્ચિમ તરફ ગતિ કરે છે. સોમાલીયા બાજુ ગતિ છે. તે હજુ મજબૂત થઈને ડીપ્રેસન અને ડીપ ડીપ્રેસન પણ બની શકે છે.
આ સિવાય બીજુ લો-પ્રેસર દક્ષિણપૂર્વીય અરબી સમુદ્રમાં છે. આવતા 24 કલાકમાં વેલમાર્ક લો-પ્રેસર થઈ શકે છે. તેનું લોકેશન 9.1 ડીગ્રી નોર્થ અને 71.9 ડીગ્રી ઈસ્ટ છે. જે દક્ષિણ કેરળના દરિયાકિનારાથી 500 કિલોમીટર પશ્ર્ચીમે છે. આવતા દિવસોમાં ઉતર પશ્ર્ચિમ તરફ ગતિ કરે તેવી શકયતા છે.
આગાહી કરતા અશોકભાઈ પટેલે કહ્યું હતું કે તા.3થી6 દરમ્યાન ન્યુનતમ તાપમાન વધશે. અર્થાત બે દિવસથી અનુભવાતો ઠંડીનો માહોલ ઘટી જશે. સાથોસાથ વાદળો પણ દેખાશે. તા.7થી9 દરમ્યાન વાદળો વિખાવા સાથે ઉષ્ણતામાન ઘટશે અને ફરી નોર્મલ જેવું થઈ જશે. તા.3થી6 દરમ્યાન પવનની ગતિ 15થી20 કીમી અને કયારેક 25 કીમી સુધી રહેશે. ત્યારબાદ ઘટીને 10થી15 કીમી થશે. પવન શિયાળુ ફુંકાતો હોવા છતાં કાલથી પુર્વોતર તરફનો રહેશે અને તા.6 સુધી ફરતો રહેશે અને ભેજનું પ્રમાણ પણ વધશે. તા.6થી તાપમાન સુકુ થવા લાગશે.
અરબી સમુદ્રનું બીજુ લો-પ્રેસર ગુજરાતથી ઘણુ દુર હોવા છતાં તેની અસર હેઠળ બુધ થી શુક્રવાર દરમ્યાન બે દિવસ છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જ આવી શકયતા છે. ગુજરાત બાજુ ખાસ સંભાવના છે. સોમાલીયા તરફની ગતિ ધરાવતુ લો-પ્રેસર ઘણુ મજબૂત છે તેની તાકાતની અસર બીજા લો-પ્રેસરને થાય છે કે કેમ તે અનિશ્ર્ચિત છે.