ગુજરાતમાં કોરોના ની સદી: નવા 10 કેસ, કુલ 105 કેસ, 1નું મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો હોય તેમ નવા 10 પોઝીટીવ કેસો નોંધાયા છે. અને કુલ આંકડો 105 પર પહોંચી ગયો છે. વધુ એક દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદમાં પાંચ વિસ્તારોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવા સાથે રાજ્ય સરકારે નવા પગલા ભરવાનું પણ શરુ કરી દીધું છે. સુરતમાં પણ સચિન વિસ્તારમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે સવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. જેમાં પાંચ અમદાવાદના છે, 2 ભાવનગરના, 2 ગાંધીનગરના તથા 1 પાટણનો છે. કોરોનાથી વેન્ટીલેટર પર રહેલા અમદાવાદના વધુ એક દર્દીનું મૃત્યુ પણ નિપજ્યું હતું. આજે નવા જાહેર થયેલા મોટાભાગના કેસો લોકલ ચેપના જ હોવાનું તેઓએ સ્વીકાર્યું હતું. તેઓએ એવું સ્પષ્ટ કર્યું કે, રાજ્યના વધુ એક એવા પાટણ જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયો છે. છતાં હવે હોસ્પિટલમાં દાખલ તમામ કોરોના દર્દીઓની હાલત સ્ટેબલ છે એક પણ દર્દી હવે વેન્ટીલેટર પર નથી.

ભાવનગરમાં કોરોનાના જે 2 દર્દીઓ ઉમેરાયા છે એ બે દિવસ પહેલાં મોતને ભેટનાર વૃધ્ધના પરિવારના છે. આ વૃધ્ધ દિલ્હીના તબલિગી જમાતના કાર્યક્રમમાં ગયા હતા અને તેનો ચેપ પરિવારને લાગ્યો હોવાનું મનાય છે.

આ સિવાય રાજ્યનાં વધુ જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયો છે. પાટણમાં પણ પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો છે. 47 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ યુવકે મુંબઈનો પ્રવાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હોટસ્પોટની યાદીમાં સામેલ અને 38 જેટલા કેસ ધરાવતા અમદાવાદમાં શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવ્યા છે. અમદાવાદના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર તથા જમાલપુર એવા પાંચ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. આ પાંચ વિસ્તારોમાં 500 ઘરોને કલસ્ટર ક્વોરેન્ટાઈનમાં આવરી લેવામા આવ્યા છે. આ પરિવારોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત સુરતમાં રાંદેર પછી હવે સચિન વિસ્તારમાં પણ 40,000 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સુડા સેક્ટરમાં આવતા સચિન વિસ્તારમાં મધ્યપ્રદેશથી આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી સમગ્ર વિસ્તારને ક્વોરન્ટાઈન જાહેર કરાયો છે. અત્રે ઉલ્લેેખનીય છે કે બે દિવસ પૂર્વે રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી સંચાલકને પોઝીટીવ રિપોર્ટ આવતા સમગ્ર વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો હતો.

રાંદેરમાં 50,000 લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી રાજ્ય સરકારનું ટેન્શન પણ વધી રહ્યું છે. હવે મોટાભાગના કેસ લોકલ ચેપના કારણે થઇ રહ્યા હોવાથી સરકાર દ્વારા નવા પગલા લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાજ્યના નવા-નવા જિલ્લાઓમાં કેવી રીતે પગપેસારો થઇ રહ્યો છે તે બાબત પણ સરકાર માટે કોયડારુપ બની છે. આજે પાટણમાં નવો કેસ નોંધાયો હોવાનું ઉલ્લેખનીય છે. રાજ્યના 10 જિલ્લામાં હવે કોરોનાના પોઝીટીવ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો