કાલે પતંગ રસિયાઓને જલસા : આખો દિવસ પવન રહેશે અનુકુળ !

  • 19મી સુધીમાં તાપમાનનો પારો નોર્મલથી પણ વધી જશે; ઠંડીનો વર્તમાન રાઉન્ડ પૂર્ણ થઈ જશે

આવતીકાલના મકરસંક્રાંતિના તહેવારે પતંગ રસીયાઓને જલસા થઈ જશે. આખો દિવસ પતંગ ઉડાડવા માટે સારો અને અનુકુળ પવન ફુંકાવાની સાથોસાથ કાલથી તાપમાન પણ ધીમે-ધીમે વધવા સાથે ઠંડીમાં રાહત મળવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

પતંગ રસીયાઓને મજા પડી જાય તેમ આખો દિવસ અનુકુળ પવન ફુંકાતો રહેશે. 12થી20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તે દરમ્યાન ઝાટકાના પવનની ગતિ દસ કિલોમીટર વધુ હશે અર્થાત ઝાટકાના પવન 22થી30 કિલોમીટરના થઈ શકે છે. સવારે તથા મોડી સાંજે પવનનું જોર વધુ હશે. મોટાભાગના સેન્ટરોમાં ઉતરપુર્વના પવન હશે જયારે અમુક જગ્યાએ પુર્વના પવન પણ રહેવાની શકયતા છે.

ઠંડીના વર્તમાન રાઉન્ડ વિશે તેઓએ કહ્યું કે,13થી19 જાન્યુઆરીની આગાહી અંતર્ગત હવે આવતીકાલથી તાપમાન આંશિક રીતે વધવા લાગશે. આવતા બે દિવસમાં પારો થોડો વધશે. ત્યારબાદ 16-17 મી જાન્યુઆરીએ વધુ બે ડીગ્રી, 17-18 દરમ્યાન વધુ બે ડીગ્રી તાપમાન વધશે. 19મી જાન્યુઆરી સુધીમાં ઉષ્ણતામાનનો પારો નોર્મલ કે તેનાથી પણ ઉંચે પહોંચી જવા સાથે ઠંડીમાં રાહત મળી જવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો