ટંકારા : કેમિકલયુક્ત પાણી નદી વાટે બંગાવડી ડેમમાં ભળી જતા ખેડૂતોમાં રોષ
By Jayesh Bhatashna -Tankara
ટંકારા : ટંકારા પંથકમાં તાજેતરમાં પડેલા વરસાદથી નદી નાલાઓમાં કારખાનાઓ દ્વારા ઠાલવાતા કેમિકલ યુક્ત પાણી નદી વાટે બંગાવડી ડેમમાં ભળી ગયા હોવાનો ગંભીર મામલો બહાર આવ્યો છે. ફેકટરીનું કેમિકલ યુક્ત પાણી સિંચાઇના બંગાવડી ડેમમાં ભળી જવાથી આ ડેમનું પાણી પ્રદુષિત થતા સરપંચો અને ખેડૂતો ધુવાપૂઆ થઈ ગયા છે અને આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
ટંકારા પંથકમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને પડ્યા ઉપર પાટુ પડી હોય તેવી સ્થિતિ છે કારણ કે આ વખતે વધુ વરસાદથી અતિવૃષ્ટિ આવી પડી છે અને ખેડૂતોનો મોટાભાગના પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આ ફરી આવી પડેલી આકાશી આફતથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને હવે તો ખેડૂતોને શિયાળુ પાકમાંથી પણ નાહીં નાખવું પડે તેવો ગંભીર મામલો સામે આવ્યો છે. જેમાં ટંકારા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ફેકટરીના કેમિકલ યુક્ત પાણી નદી વાટે બંગાવડી ડેમમાં ભળી ગયા છે. સાબુ સહિતની ફેકટરીઓના કેમિકલ યુક્ત પાણી ભળવાથી બંગાવડી ડેમનું પાણી પ્રદુષિત થવાની ભીતિ સેવાય રહી છે. એક તો ચોમાસું મેઘરાજાએ બગાડ્યું હતું. ઉપરથી હવે કેમિકલ યુક્ત પાણી બંગાવડી ડેમમાં ભળતા ખેડૂતો હવે શિયાળુ પાક પણ કદાચ નહિ લઈ શકે, કારણ કે કેમિકલ યુક્ત પાણીથી ખેતીની જમીન બિન ઉપજાવ બની શકે એમ છે. આથી ખેડૂતોમાં ધગધગતો આક્રોશ છે.
ટંકારા તાલુકાના ખેડૂતો આક્રોશ ઠાલવી રહ્યા છે કે, ટંકારા તાલુકામાં બેરોકટોક સાબુની ફેકટરીઓ ધમધમી રહી છે.જેની સામે કોઈ કાર્યવાહી ન થતા આ નોબત આવીને ઉભી રહી છે. જો કે બેરોકટોક ધમધમતી સાબુની ફેકટરી સામે કોઈ કાર્યવાહી ન થતા પ્રદૂષણ વિભાગની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલ તો આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની.ખેડૂતોએ માંગ કરી છે. જો કે ડેમનું પાણી પ્રદુષિત થવા મામલે ખેડૂતો અને સરપચોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આથી, આ ગંભીર બાબતે ઉગ્ર વિરોધ થાય તેવા એંધાણ છે.બીજી તરફ આ ગંભીર બાબતે પદુષણ વિભાગના અધિકારી કે.બી.વાધેલા સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓની હમણા જ બદલી થઈ છે અને આ અંગે ખ્યાલ નથી. પરંતુ આવા ગેરકાયદે ધમધમતા કારખાનાને બંધ કરવા ઉપરથી આદેશ છે. આથી આજે જ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.