વાંકાનેરમાં IPL મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા
વાંકાનેરમાં IPL મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં 3 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 19ના રોજ વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડ પર એસ. પી.પાન પાસે મનસુરઅલી મોઇઝભાઇ લાકડાવાલાએ T-20 IPL અંતર્ગત રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગની મેચમાં રન ફેરનો ક્રિકેટ સટ્ટો રમવા કહેતા જાવેદખાન ફકીરમામદ આકુમજાદાએ રૂ. 50,000 ડીપોઝીટ જમા કરાવ્યા હતા. તેમજ બંને આરોપી સાથે વોટસએપ પર સજ્જાદ કાજી (રહે રાજકોટ) મોબાઈલ નંબર આપી રન ફેર ક્રિકેટ સટ્ટો રમતા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 88,200, મોબાઇલ ફોન નંગ 2 (કિ.રૂ. 7500) તથા મો.સા. (કિ.રૂ. 35,000) મળી કુલ રૂ. 1,30,700ના મુદમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી મનસુરઅલી અને જાવેદખાનની અટકાયત કરી છે. તેમજ આરોપી સજ્જાદ સામે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.