ભરતસિંહ સોલંકી અતિ ગંભીર સ્થિતિમાં: વેન્ટીલેટર પર: પ્લાઝમા થેરાપી પણ નિષ્ફળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત આજે વધુ વણસી છે અને તેઓ અત્યંત ગંભીર સ્થિતિમાં હોવાનું જાહેર થયું છે. અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં શ્રી સોલંકીની સારવાર કરી રહેલા તબીબે જણાવ્યું કે કોંગ્રેસના નેતાને અપાતી સારવારનો રિસ્પોન્સ મળતો નથી. તેમના પર પ્લાઝમા થેરાપી પણ અજમાવાઈ હતી પણ તે નિષ્ફળ ગઈ છે. શ્રી સોલંકીને હાયપર ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમા સહીતની બીમારી છે અને કોરોનાનું સંક્રમણ થતા પરિસ્થિતિ વણસી છે અને તેઓ ઓકસીજન લઈ શકતા ન હોવાથી હવે વેન્ટીલેટર પર મુકી દેવામાં આવ્યા છે તથા તેને સ્વસ્થ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની બીમારીમાં સપડાયેલા પીઢ નેતા શરુઆતમાં વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ થયા હતા. એ પછી તેમને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ થવા સલાહ અપાઈ હતી. તેમને બેએક દિવસથી ઓકસીજન પર મુકવામાં આવ્યા હતા. તેમની તબીયતમાં સુધારો નહીં જણાય તો એઈમ્સના ડિરેકટર અને સંક્રમણ નિષ્ણાંત ડો. રણદીપ ગુલેરીયાની સલાહ લેવામાં આવી હતી.

હાલ અમદાવાદની સિમ્સ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા 67 વર્ષીય નેતાને હવે વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે સોલંકીને બહારથી ઓકસીજન અપાતો હતો, અને એથી ફેફસાને શ્રમ પડતો હતો. આ સંજોગોમાં તેમને વેન્ટીલેટર પર મૂકવા નિર્ણય લેવાયો છે.
સોલંકી ગત 19 જૂને રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા, પણ તેમનો પરાજય થયો હતો.

આ સમાચારને શેર કરો