skip to content

ભાદરવો ભરપુર: સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ, અડધા થી 5 ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યભરમાં ઓણસાલ મેઘાએ ધમાકેદાર ઇનિંગ ખીલી રહ્યો છે અને ભાદરવો ભરપૂર ગયો છે. ભાદરવો પૂર્ણ થવાને આરે પહોંચી ગયો છે અને આસો આવવાની તૈયારીમાં છે. ત્યારે વરસાદને વિરામ લેવાનું જાણે મન થતું નથી. હવામાન ખાતાએ કરેલી આગાહીને સાચી પાડવા વરસાદ તનતોડ મહેનત કરી રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રની ધરતી પર અડધાથી પાંચ ઇંચ સુધી વહાલ વરસાવી દીધું છે. નવરાત્રી આવી રહી છે ત્યારે મેહુલિયો પણ રાસોત્સવ રમી રહ્યો છે. જામનગરના જોડિયામાં ચાર જ કલાકમાં પાંચ ઇંચ તો જામનગર અને ધ્રોલમાં એક ઇંચ પાણી વરસી ગયું છે તો રાજકોટમાં સવારથી જ મેઘાડંબર વચ્ચે હળવા ભારે ઝાપટાં વરસવાનું ચાલુ જ રહ્યું હતું અને માર્ગો સુકાતા નથી.



બીજી તરફ ભાવનગર પંથકમાં પણ અડધાથી બે ઇંચ, ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો તો વેરાવળ અને સુત્રાપાડામાં પણ એક ઇંચ પાણી વરસી ગયું હતું. જ્યારે પોરબંદરમાં દોઢ, રાણાવાવમાં સવા, કુતિયાણામાં દોઢ ઇંચ તેમજખાંભામાં 2 , જાફરાબાદમાં 1 , રાજુલામાં અઢી તેમજ સાવરકુંડલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત જૂનાગઢમાં સવા ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, મેંદરડા અને માંગરોળમાં અડધો ઇંચ તેમજ માળિયા હાટીનામાં 1 ઇંચ પાણી વરસી ગયું હતું.ભાવનગરમાં અઢી ઇંચ સાથે વાના અંતે ગોહિલવાડમાં અષાઢી માહોલ સર્જાયો જ્યારે ઘોઘા અને તળાજામાં પોણા બે ઇંચ અને મહુવામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ટાઢોડું છવાયુું છે.

મોરબી જિલ્લાની જ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મોરબી માળીયા ટંકારા વાંકાનેર હળવદ તમામ જગ્યાએ સતત વરસાદ વરસી રહ્યો છે. કયાંક વધુ કયાંક ઓછો, આખો દિવસ માં લગભગ કયારે બંધ નથી થતો. ક્યારેક ભારે વરસાદ આવે છે તો કયારેક છાંટા, નદી-નાળાઓ, નાના વોકળાવો બંધ થયા હતા તે ફરી પાછી ચાલુ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની હાલત દીન બ દીન બદતર થતી જાય છે.

ખેતીમાં નુકસાન

વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ખેતીમાં ઉભા પાકો જેવા કે કપાસ મગફળી કઠોળ જુવાર તલી વિગેરે ચોમાસુ પાક ને હવે મોટું નુકસાન થવાનું છે. જુવાર જેવા પાકોને ને તો ઉપાડવાના જ નહી રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કપાસને સતત પાણી મળવાથી ખૂબ ઊંચા થઇ ગયા છે પણ અંદર જીંડવા ફાલની ખુબ માત્રા ઓછી જોવા મળી રહી છે. આમ જો વરસાદ હવે બે ત્રણ દિવસ વધુ ચાલુ રહેશે તો ખેતીમાં ચોમાસુ સીઝન નિષ્ફળ જવાની શક્યતા ઊભી થઈ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો