રાજકોટ આત્મીય કોલેજના બે વિદ્યાર્થી ગાંજા સાથે પકડાયા
રાજકોટ: શહેરમાં કોલેજીયન છાત્રોને નશીલા દ્રવ્યોના રવાડે ચડાવવાનું વ્યવસ્થિત નેટર્વક ચાલી રહયું હોવાની વાત વારંવાર સામે આવી રહી છે.ત્યારે આ વાતની સાબિતી આપતી વધુ એક ઘટના બની છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર સોમનાથ સોસાયટી મેઈન રોડ પરથી એસ.ઓ.જી ની ટીમે શંકાસ્પદ રીતે પસાર થતા સ્કુટરને અટકાવતા તેમાંથી 3.400 કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે ગાંજા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.
પોલીસે પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા આ બંને આત્મીય કોલેજના વિધાર્થી હોવાનું અને એક બીસીએનો વિધાર્થી તથા અન્યએ એન્જીનયરીંગનો અભ્યાસ પૂરો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.બંને ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેમજ કોલોજમાં વિધાર્થીઓને સ્પલાય કરતા કે કેમ સહિતના મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે.
શહેરમાં નશીલા દ્રવ્યોનું નેટવર્ક ચાલી રહયું હોવાની શંકાને આધારે એસ.ઓ.જી ના પી.આઈ આર.વાય.રાવલની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન 150 ફૂટ રિંગરોડ પર સોમનાથ સોસાયટી મેઈન રોડ નજીક આવેલા તુલસી બાગ પાસેના ખૂણા પર એક એક્સેસ શંકાસ્પદ રીતે પસાર થતા સ્કુટરને અટકાવી તલાશી લેતા તેમાંથી 3,400 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજા સાથે આ બંને શખ્સો દિવ્યેશ રમેશભાઈ સોલંકી (ઉ.વ 24)(રહે. નવોદિતા પાર્ક શેરી ન.2 રાજકોટ) તથા હર્ષ સુનિલભાઈ ગાંધી (ઉ.વ 19)(રહે. ગાયત્રી બંગલો પાસે સાધુ વાસવાણી રોડ રાજકોટ) ને ઝડપી લીધા હતા. પોલીસે બને પાસેથી 20400 ની કિંમતનો ગાંજો, મોબાઇલ અને સ્કૂટર સહિત કુલ રૂ. 1,55, 400 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આ દિવ્યેશ સોલંકી મૂળ ગાંધીધામનો વતની છે. અને તેણે આત્મીય કોલેજમાં બી.ઇ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે અન્ય આરોપી હર્ષ આત્મીય કોલેજમાં બીસીએનો અભ્યાસ કરે છે.અને હાલ તે બીજા સેમેસ્ટરમાં હોવાનું માલુમ પડ્યું હતું.
બંને શખ્સો ક્યાંથી ગાંજો લાવ્યા હતા તેમજ તેઓ આ માદક પદાર્થ કોલેજમાં વિદ્યાર્થીઓને સ્પલાય કરતા કે કેમ તથા નશીલા દ્રવ્યોના આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. આ દરોડાની કામગીરીમાં પી.આઈ રાવલની રાહબરીમાં એ.એસ.આઈ વિજય શુક્લ, હેડ કોન્સ્ટેબલ માનરૂપગીરી ગોસ્વામી, મોહિતસિંહ જાડેજા, હિતેશ રબારી, નિખિલ પીરોજીયા,નરેદ્ર ગઢવી, ગીરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જોડ્યા હતા.