Placeholder canvas

‘રાજકારણી દબાવી રહ્યા છે’ની ફેસબુક પર પોસ્ટ મુકનાર કૂવાડવાના ASI સસ્પેન્ડ

રાજકોટ: આ વર્ષ જાણે કે રાજકોટ પોલીસ માટે ‘માઠું’ બનીને આવી ગયું હોય તેવી રીતે એક પછી એક વિવાદો થઈ રહ્યા છે. તાજેતરમાં જ કૂવાડવા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ફેસબુક પોસ્ટમાં તેમને ‘રાજકારણી દબાવી રહ્યા છે’ તેવી પોસ્ટ મુક્યાના ગણતરીના દિવસોમાં જ તેમની સામે આકરી કાર્યવાહીના ભાગરૂપે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાજેતરમાં જ એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુક પોસ્ટ ઉપર રોષ ઠાલવતાં લખ્યું હતું કે ‘આજે એક નેતાને તેની અસલિયત કહી તો મને બદલીની ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે અને વગર વાંકે મારી બદલીઓ કરાવે છે. એનો ઈતિહાસ વિવાદોથી ખરડાયેલો હોવા છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તૈયારી છે અને હું ઝૂકીશ નહીં…મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી…મને કોર્ટ પર પૂરો વિશ્ર્વાસ છે અને હું ઝૂકીશ નહીં…’

આ પ્રકારની પોસ્ટ સાર્વજનિક કરી નાખતાં પોલીસ અધિકારીઓ પણ સફાળા જાગી ઉઠ્યા હતા અને મામલાની તાત્કાલિક તપાસ શરૂ કરતાં એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ગત બપોરે અચાનક જ તેમને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરી દેવામાં આવતાં પોલીસબેડામાં રોષ સાથે સોપો પડી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુક પર પોસ્ટ કરતાંની સાથે જ તેમની બદલી થશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું હતું. આ બધાની વચ્ચે અધિકારીઓ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું જે લેવાઈ ગયા બાદ ગઈકાલે જ તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી નાખવામાં આવ્યો છે.

બીજી બાજુ હિતેન્દ્રસિંહ ઝાલાને બદલીની ધમકી આપનારા નેતા કોણ હતા તેના નામનો હજુ સુધી ખુલાસો થયો નથી પરંતુ પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ જે નેતા તરફથી હિતેન્દ્રસિંહને ધમકી મળી રહી હતી તે નેતા સરકારમાં ટોચનું સ્થાન ધરાવે છે અને રાજકોટમાં કદ્દાવર નેતામાં તેમની ગણતરી થાય છે. જો કે બદલીના સ્થાને સીધા એએસઆઈને સસ્પેન્ડ જ કરી નાખી અધિકારીઓએ પોલીસ વિભાગને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે ડિસિપ્લીનમાં રહેવા માટે જાણીતી પોલીસ ફોર્સમાં કોઈને પણ સાર્વજનિક રીતે નેતાઓ સામે બોલવાનો અધિકાર નથી ! બીજી બાજુ આ નિર્ણય લેવાયા બાદ આગામી સમયમાં તેનો ઘેરો વિરોધ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિતેન્દ્રસિંહના સસ્પેન્શન મામલે કરણી સેના મેદાને:
એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી નાખવાનો નિર્ણય લેવાયા બાદ કરણી સેના હવે મેદાને આવી ગઈ છે. કરણી સેના દ્વારા જણાવાયું કે રાજકીય નેતાના બનેવીને ત્યાં જુગારની રેડ કરવા ગયેલા હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનો અમે વિરોધ નોંધાવીએ છીએ. આ પ્રકારનો નિર્ણય લેવાથી પોલીસનું મોરલ ડાઉન થઈ જશે. આ મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કર્યા વગર જ નિર્ણય લેવાઈ ગયાની આગામી સમયમાં ગૃહમંત્રી અને રાજ્ય પોલીસવડાને રજૂઆત કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો