વાંકાનેર: ઠીકરિયાળી ફાયરિંગ પ્રકરણમાં દેવાબાપાની જગ્યાના મહંતના પુત્ર સહિત પાંચની ધરપકડ
વાાંકાનેેર: ઠીકરીયાળી ગામ પાસે આવેલ દેવાબાપાની જગ્યાએ જમીનના ડખ્ખામાં થોડા દિવસો પુર્વે યુવાન ઉપર હુમલો કરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જગ્યાના મહંતના દીકરા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે.
જો કે હજુ મુખ્ય સુત્રધાર સહીત છ આરોપીને પકડવાના બાકી હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક દેવાબાપાની જગ્યા પાસે થોડા દિવસો પહેલા રાજપરા ગામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં ધનજીભાઈ હમીરભાઈ કોળીને ઈજાઓ થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
તેને દેવાબાપાની જગ્યાના મહંત વીરજી ભગત તેમજ તેના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ સહીત કુલ 11 શખ્સોની સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે, જગ્યાના મહંતના કૌટુંબિક ભાઈ ધનજીભાઈ પાસેથી તેમને જમીન લીધી હતી. તેના ઉપર કબજો કરી લેવામાં આવ્યો હોવાથી તે જમીન તેને રાજકોટના દરબારને વેચી હતી અને આ જમીન બાબતે મનદુ:ખ હતું તેવામાં ધનજીભાઈ જમીનની માપણી કરવા માટે દેવાબાપાની જગ્યાએ ગયા હતા ત્યારે દેવાબપાની જગ્યાના મહંત વીરજી ભગત અને તેના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ અને નારણભાઈ સહીતના લોકોને બોલાવ્યા હતા ત્યારે નારણભાઈ દ્વારા તેના પાસે રહેલા જોટામાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ભોગ બનેલા યુવાનને નોંધાવેલ ફરિયાદના આધારે હાલમાં પોલીસ દ્વારા મહંતના દીકરા દલસુખભાઈ વિરજીભાઈ નાકીયા, રમેશભાઈ અરજણભાઈ પરબતાણી, ભાનુભાઈ ગોવિંદભાઈ નાકીયા, લવાભાઇ ગોવિંદભાઈ નાકીયા અને કાળુભાઈ પોલાભાઈ સોરાણીની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં મહંત વિરાજ ભગત તેમજ ફાયરીંગ કરનાર નારણભાઈ સહીત કુલ મળીને છ આરોપીને પકડવાના બાકી હોવાથી તેને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.