રાજકોટ યાર્ડ બંધના ૯માં દિવસે: ત્રણ કમિશન એજન્ટને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ ફટકારાઈ
રાજકોટ, તા. ૨૬ :. રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને આજે ૯મા દિવસે યાર્ડના વેપારીઓએ બંધ પાળ્યો હતો. બીજી બાજુ શાસકોએ આજે દલાલ મંડળની ઓફિસને તાળુ મારી કબ્જો લઈ લીધો હતો અને ૩ કમિશન એજન્ટોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ ફટકારી હતી.
એ દરમિયાન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ ગઈકાલે જણાવ્યુ હતુ કે યાર્ડમાં જે તે વેપારીઓ કે કમિશન એજન્ટો યાર્ડની કામગીરી કરવા માંગતા ન હોય તેઓ દિવસ ૩માં બજાર સમિતિ રાજકોટનું લાયસન્સ પરત જમા કરાવી આપે તેમજ બજાર સમિતિ રાજકોટ દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા તરીકે સહકારી મંડળીઓ મારફત ખેડૂતોની ખેત પેદાશોનું વેચાણ કરવાની વૈકલ્પીક વ્યવસ્થા વિચારણા હેઠળ છે જે અંતર્ગત આજે રાજકોટ યાર્ડના સંચાલકોએ યાર્ડમાં આવેલ દલાલ મંડળની ઓફિસને તાળુ મારી કબ્જો લઈ લીધો હતો તેમજ આંદોલન અને હડતાલ સાથે સંકળાયેલ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી, કિશોર દોંગા તથા વલ્લભભાઈ પાંચાણીના લાયસન્સ કેમ સસ્પેન્ડ ન કરવા ? તે અંગે શોકોઝ નોટીસ ફટકારી છે.
યાર્ડના સંચાલકોએ હડતાલ સમેટવા વેપારીઓ અને કમિશન એજન્ટો સામે કાર્યવાહી કરી આકરૂ વલણ અપનાવ્યુ છે. વેપારીઓ અને કમિશન એજન્ટો હડતાલ સમેટે છે કે કેમ ? તે તરફ સૌની મીટ મંડાઈ છે.