skip to content

વાંકાનેરના ઢુવા નજીક પૈસાની ઉઘરાણી મામલે વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ….

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે કટલેરીની દુકાન ચલાવતા એક વેપારીએ પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક જય અંબે કટલેરી સ્ટોર ચલાવતા વેપારી યુવાન ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની (ઉ.વ. ૩૪, રહે. મકનસર, મોરબી) એ તેની પાડોશમાં દુકાન ચલાવતા આરોપી રણજીત સોમાભાઈ કોળી(રહે. ઢુવા) પાસેથી આઠેય મહિના પહેલા હાથ ઉછીના કુલ રૂ. ૫૩,૦૦૦ લીધેલ હોય, જેમાં રોજના એક હજારના હપ્તેથી રૂ. ૮,૦૦૦ પરત કર્યા બાદ સતત ત્રણ મહિના સુધી દુકાને નહી જતાં બીજા પૈસા પરત નહીં કરી શકતા, આ બાબતે ફરિયાદી યુવાનની દુકાન ચલાવતી સાહેદ મોનીકાબેન પાસે આરોપીએ પૈસાની ઉઘરાણી કરી અવારનવાર ધમકી આપતા હોય, જે બાદ ગઇકાલે યુવાન તેની દુકાને ગયેલ હોય અને ત્યાંથી ઢુવા ચોકડીએ ચા પી પરત ફરતો હોય ત્યારે આરોપી નીલેશભાઈ સોમાભાઈ કોળી અને જયસુખ મનસુખભાઇ લીંબડીયા ઢુવા ચોકડીથી યુવાનનું કાળા કલરની સ્વિફ્ટ કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ માર મારી, પૈસાની ઉઘરાણી કરી ખીસ્સામાંથી રૂ. ૧૫૦૦ પડાવી લીધા હતા. આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમાચારને શેર કરો