Placeholder canvas

રાજકોટ: ક્રિકેટ મેચની 22 રનની ઇનિંગ સાથે જીંદગીની ઇનિંગ પણ પૂરી: મેચ દરમિયાન ક્રિકેટરનું મૃત્યુ.

રાજકોટ: આ જિંદગીનો કોઈ ભરોસો નહિ, મોત ક્યારે,ક્યા અને કેવી રીતે આવી ટપકે તે કોઇ કહી શકતું નથી, આવો જ કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો હતો, રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યા બાદ તેણે રનર રાખ્યો હતો, ઇજા બાદ 22 રન કરી આઉટ થયેલો યુવક પોતાની કારમાં બેસીને મેચ જોતો હતો તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઇ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને તાકીદે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ વેગડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટનો મેચ રાખ્યો હતો, રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો, ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો,

આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો. પરંતુ તેને છાતીમાં સહેજ દુખાવો ઉપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઇને બેઠો હતો અને મેચ જોતો હતો, અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઇ ગઇ હતી.

આ સમાચારને શેર કરો