Placeholder canvas

વગર ચૂંટણીએ બીજી બેઠક ગુમાવતું ‘આપ’ !!!

અબડાસાના ઉમેદવારે AAP છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી છે. અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ કેસરિયો ખેસ પહેરીને ભાજપને ટેકો જાહેર કર્યો છે.

તેઓએ પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિહ જાડેજાને પણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે અબડાસા બેઠક પર આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થવાની શક્યતા છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીને પડતા પર પાટુ લાગ્યુ છે. આ પહેલા સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતુ. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાની પાસે ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી તેઓ આપના બેનર હેઠળ ચૂંટણી નહીં લડી શકે. આમ સુરત પૂર્વ બેઠક અને અબડાસા બેઠક પર AAP ચૂંટણી નહીં લડી શકે.

આ સમાચારને શેર કરો