વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ 5 સહિત કુલ 10 લોકોના આજે સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારે મોરબીના એક વ્યક્તિ અને વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે ડોક્ટરો સહિત કુલ 3 સેમ્પલ લેવાયા હતા. જે તમામ 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે સોમવારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મોરબીના ડોકટર સહિત 5 લોકો અને અન્ય 5 લોકો મળી કુલ 10 લોકોના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જેમના રિપોર્ટ કાલે આવશે.
મોરબી જિલ્લામાં ગઈકાલે વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે વાંકાનેરના પોઝિટિવ દર્દી જીતુભા ઝાલાના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે વાંકાનેરના બે ડોક્ટરોના સેમ્પલ લેવાયા હતા. જેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે સોમવારે તેમના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં વાંકાનેરના 3 લેબોરેટરી ટેક્નિશયન અને મોરબીના એક ડોકટર અને અન્ય એક વ્યક્તિ સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે.
જ્યારે આ ઉપરાંત વાંકાનેરના અદેપરની 20 વર્ષની યુવતીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા છે. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં અન્ય સારવાર માટે આવેલા 4 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા છે. આમ મોરબી જિલ્લામાં આજે સોમવારે કુલ 10 લોકોના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલાયા છે. જે તમામ રિપોર્ટ કાલે મંગળવારે આવશે.