Placeholder canvas

મોરબીમાં એક પ્રસુતાએ માથા વગરના બાળકને જન્મ આપ્યો.

મોરબી : આજે મોરબીમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક પ્રસૂતાએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માથા વગરના બાળકને જન્મ આપ્યો હતો અને અલ્પ વિકસિત માથાવાળા બાળકનો જન્મ થતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડાયો છે.

આ વિચિત્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભડિયાદ ગામે રહેતા જયશ્રીબેન બીપીનભાઈ મકવાણા નામની પરિણીતાને ગત તા. ૧૦ ના રોજ પ્રસૂતિની પીડા ઉપડતા તેમને તાકીદે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને ગતરાત્રે તેમને પ્રસુતિની વધુ પીડા ઉપડતા ડીલીવરી કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના ડો. સાલ્વી કાસુન્દ્રા, ડો. વૈશાલી વડનગરા તેમજ સ્ટાફના આરતી જયસ્વાલ અને વિજયભાઈએ આ મહિલાની પ્રસુતિ કરાવી હતી. પરંતુ આશ્ર્ચર્ય એ વાતનું હતું કે આ પ્રસૂતાએ જે બાળકને જન્મ આપ્યો તે બાળકનું માથું એકદમ અલ્પ વિકસિત હતું. તેથી, તબીબોપણ મૂંઝાયા હતા. જો કે બાળકની તબિયત એકદમ સારી છે. પણ માથું ન હોવાથી આ બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો. સાલ્વી કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, પ્રસૂતાની ડિલિવરી કરી ત્યારે જન્મ થયેલા બાળકનું માથું જ ન હતું. કદાચ વિટામિનની ખામી અથવા ચેપ લાગ્યો હોય તો પણ આવું બની શકે છે. જો કે અધૂરા દિવસોમાં પ્રસુતિ થઈ છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં ગર્ભશિશુનું માથું વિકસિત થઈ જતું હોય છે. પણ આ કિસ્સામાં નવીનતા જોવા મળી છે. આ બાળકના જીવ ઉપર પણ આગામી સમયમાં જોખમ રહેલું છે અને આ બાળક મનોવિકલાંગ પણ થઈ શકે તેવી સંભવના છે. જો કે હાલ આ બાળક જીવિત છે અને બાળક સાથે તેની માતાની તબિયત પણ સારી છે.

આ સમાચારને શેર કરો