Placeholder canvas

મિતાણા: કૌટુંબિક કારજમાં પિરસવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી: 10ને ઇજા

ટંકારા : ટંકારામાં મિતાણા ગામે કારજ વખતે પિરસવા મામલે બે પરિવારો વચ્ચે ડખ્ખો થતા સશસ્ત્ર મારામારી થઈ હતી. બને પરિવારો વચ્ચે લાકડી અને પાઇપ વડે બધડાટી બોલી જતા બન્ને પક્ષના મળીને કુલ 10 વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મિતાણા ગામે રહેતા અને માલઢોરનો વ્યવસાય કરતા વિક્રમભાઈ રાણાભાઈ બાંભવા ઉ.વ.27 નામના યુવાને આરોપીઓ હિન્દૂભાઈ સિંધાભાઈ ડાભી, રણછોડભાઈ હિન્દૂભાઈ ડાભી, રૈયાભાઈ હિન્દભાઈ ડાભી, ચના ઓઘડ ડાભી, ઓઘડભાઈ સિંધાભાઈ ડાભી અને રાહુલભાઈ હિન્દૂભાઈ ડાભી સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે મિતાણા ગામે મેલડી માતાના મંદિર પાસે આવેલ રતાભાઈ સિંધાભાઈ બાંભવાની ચાની લારી નજીક બનેલા આ બનાવમાં ફરિયાદીનો કૌટુંબીકભાઈ તથા આરોપી ચનાભાઈ ઓઘડભાઈ ડાભી સાથે ગામના ભગુભાઈ નથુભાઈ ખટારીયા અને મણીબેન ભગુભાઈ ખટારીયાનો દાડો-કારજ હોય, જેમાં પીરસવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા છ આરોપીઓએ લાકડી અને પાઇપ વડે હુમલો કરતા વિક્રમભાઈ રાણાભાઈ બાંભવા, જલભાઇ સોન્ડાભાઈ બાંભવા, ગૌતમભાઈ રતાભાઈ બાંભવા અને લઘુભાઈ સિંધાભાઈને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે બનાવની રૈયાભાઈ હિન્દૂભાઈ ડાભીએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે કૌટુંબિક કારજમાં પીરસવા મામલે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા આરોપીઓ જલાભાઈ સોઢાભાઈ બાંભવા, ગોકળભાઈ વેલજીભાઈ બાંભવા, કાબાભાઈ ભગુભાઈ બાંભવા, વિક્રમભાઈ રાણાભાઈ બાંભવા, ગૌતમભાઈ રતાભાઈ બાંભવા, લઘુભાઈ સિંધાભાઈ બાંભવા, રમેશભાઈ ભગુભાઈ બાંભવાએ લાકડી વતી હુમલો કરતા ફરિયાદી તથા તેમના પક્ષના લોકો નારણભાઈ ઘેલાભાઈ ડાભી, રણછોડભાઈ હિન્દૂભાઈ ડાભી, રાહુલભાઈ હિન્દૂભાઈ ડાભી, હિન્દૂભાઈ ડાભી અને ચનાભાઈ ઓઘડભાઈ ડાભીને ઇજા પહોંચી હતી. ટંકારા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો