skip to content

વાંકાનેર: છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો

વાંકાનેર : ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા – છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને જેન્ડર બાયસ તથા દીકરા દીકરીઓને સમાન તક મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયા દ્વારા દીકરા-દીકરી વચ્ચેના ભેદ બાબતે તેમજ મતાધિકાર જાગૃતિ બાબતેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને લિંગ સમાનતા અને સંવેદના માટે સ્વ- સ્વજન- સમુદાય- સમસ્તુ કલ્યાણ બાબતે યુવાનોને સંદેશો આપવામાં આવ્યો હતો તથા જિલ્લા કક્ષાએ ચાલતા DHEW હબ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ સમજ આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચાનિયા દ્વારા મહિલાઓને પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી.

PBSCના કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા સેન્ટર પર આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમાં વાંકાનેર તાલુકાના મામલતદાર, સંસ્થાના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા,કોલેજના પ્રિન્સીપાલ,પ્રોફેસર તથા બહોળી સખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો