Placeholder canvas

સૌરાષ્ટ્રમાં લીંબડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ સહિત કોરોનાં પોઝીટીવનાં વધુ 5 કેસ: 2 શંકાસ્પદ મોત

રાજકોટ-2, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર-1 કેસનો ચિંતાજનક વધારો

રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં ચિંતાજનક રીતે કોરોના વાઈરસનાં પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 12 કલાકમાં વધુ પાંચ કેસો સાથે બેના શંકાસ્પદ મોતના બનાવો જાહેર થયા છે. મૃતકોનાં કોરોના રિપોર્ટ આવ્યા બાદ નેગેટીવ કે પોઝીટીવ હોવાનું જાહેર થનાર છે.

સમગ્ર લોકડાઉન બાદ હાલ અનલોક-1 માં કોરોનાનું સંક્રમણ વધતા દિન પ્રતિદિન પોઝીટીવ કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવતા દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.આ સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પોઝીટીવ કેસોનો આંક 76 પર પહોંચ્યો છે.

જુનાગઢના દિપાંજલી પ્રમુખનગરમાં અમદાવાદથી આવેલા એક મહિલાનું મોત થતા તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે મોરબી મહેન્દ્રનગરમાં રહેતા વશરામભાઈ પ્રભુભાઈ અઘારા (ઉ.વ.63) નું પણ મોત થતાં તેના રિપોર્ટની રાહ જોવામા આવી રહી છે.

અમરેલી જીલ્લાના બગસરા ગામે રહેતા એક 51 વર્ષિય મહિલાને કોરોના પોઝીટીવ આવતા અમરેલી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 27 જેટલાં કોરોનાનો કેસ નોંધાયા છે. બગસરા ગામે રહેતા આ મહિલા ગત તા.10 જુનના રોજ અમદાવાદથી બગસરા ગામે આવ્યા હતા અને ગઈકાલે તેમનું સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે. બગસરા ગામનાંઆ મહિલાનાં સંપર્કમાં આવેલ વ્યકિતઓને કવોરન્ટાઈન કરવાની તથા તેણીનાં રહેઠાણ વિસ્તારની આસપાસનાં વિસ્તારના કનટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં આ જીલ્લામાંથી કુલ 11 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવેલ છે જયારે કુલ 4 દર્દીઓના મોત નીપજયા છે. હાલમાં અમરેલીમાં 12 કેસ એકટીવ છે.

આ સમાચારને શેર કરો