કચ્છ માંડવીની મહિલામાં કોરોનાના લક્ષણો: 42 વ્યકિતઓને કવોરન્ટાઇન કરાયા

શંકાસ્પદ મનાતા નવ વ્યકિતઓના સેમ્પલો લઇ તપાસ : રિપોર્ટની રાહ

બંદરીય માંડવીની 30 વર્ષિય મહિલાને ફેફસામાં ગંભીર ચેપ સાથે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં કચ્છમાં વધુ એક કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે. આ મહિલાને કોરોનની શંકાસ્પદ દર્દી તરીકે ગણીને તેણીનું સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યું છે. આ મહિલા સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનથી પીડાય છે.

આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, માધાપરના કોરોનાગ્રસ્ત દર્દીની નજીક આવેલા 9 લોકોના સેમ્પલ પણ લેબમાં મોકલી આપતાં એક દિવસમાં કુલ દસ લોકોના સેમ્પલ ચકાસણી માટે મોકલાયાં છે. દરમિયાન, આડેસરના 62 વર્ષિય પુરુષ અને ભચાઉના કડોલના 19 વર્ષિય યુવકના સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. લખપતની કોરોનાગ્રસ્ત દર્દીના ચોથા અને પાંચમા સેમ્પલમાં સ્પષ્ટ રીપોર્ટ આવ્યો નથી. તેથી હવે ત્રણ દિવસ બાદ છઠ્ઠું સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવશે.

ગઇકાલે સાંજે ચાર વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં કચ્છમાં કુલ 1311 વ્યકિતઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 41083 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. તો, છેલ્લાં 24 કલાક દરમ્યાન 42 જેટલા વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. કચ્છમાં કુલ 2225 વ્યક્તિ પૈકી 2183 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇનમાં છે. અત્યારસુધીમાં કુલ 6922 વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન કરાયાં હતા. જેમાંથી 4739 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરન્ટાઇન પિરીયડ પૂર્ણ કર્યો છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં હાલ 42 વ્યક્તિ ક્વોરન્ટાઇનમાં છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો