મોરબી: મારામારીમાં ધવાયેલા મજૂરનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબીમાં ભંગારની રેંકડી કાઢીને ધંધો કરતા ધંધાર્થીઓ વચ્ચે થોડા દિવસો પહેલા મેમરી કાર્ડ વેચાતું લેવા બાબતે મારામારી થઈ હતી.જેમાં જે તે સમયે આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ હતી. આ મારામારીમાં ગંભીર રીતે ધવાયેલા મજૂરનું સારવાર દરમિયાન. મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટીયો છે. બી ડિવિજન પોલીસે અગાઉ હુમલાના બનાવની ફરિયાદમાં ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં રહેતા ગોગનભાઈ વેલજીભાઈ વાઘેલા ઉ.વ.40 ને રસિક દેવસી ચારોલીયાએ મેમરી કાર્ડ વેચાતું લેવાનું કહ્યું હતું.પણ ગોગનભાઈએ મેમરી કાર્ડ વેચાતું લેવાની ના પાડી દીધી હતી. આથી આ બાબતનો ખાર રાખીને રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર નામના ચાર શખ્સોએ લોખંડ પાઈપ અને એન્ગલથી ગોગન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ધવાતા તેમને મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આથી આ બનાવ હત્યામાં ફેરવાયો છે. જોકે અગાઉ મૃતકના પત્ની શારદાબેન ગોગનભાઇ વાઘેલાએ ચાર શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં બી ડિવિજન પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાની કલમનો ગુનો નોંધીને તેમાંથી એક આરોપી રસિક દેવસી ચારોલીયાને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.