Placeholder canvas

પોરબંદર કમકમાટીભર્યો બનાવ: મજૂરના ત્રણ બાળકો આગમાં થયા ભડથું

પોરબંદર જિલ્લામાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. પોરબંદરના એક નાનકડા હનુમાનગઢ ગામમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ત્રણ માસૂમ બાળકો આગમાં ભડથું થઈ જતા પુરા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના હનુમાનગઢ ગામમાં એક ઝુંપડામાં અચાનક આગ લાગી ગઈ હતી, આ આગની ઘટનામાં ઝુંપડામાં રહેતા એક મજૂરના ત્રણ બાળકોના સળગી જતા મોત થયા છે. આ ઘટનાની જાત ગામમાં ફેલાતા અરેરાટી જેવો માહોલ સર્જાયો હતો. જે ઝુંપડામાં આગ લાગી તેમાં પ્રરપ્રાંતિય એક મજૂરનો પરિવાર રહેતો હતો, તેમના ત્રણ બાળકો ઝુંપડામાં હતા, તેમના માતા-પિતા કામ માટે બહાર નીકળ્યા હતા. આ સમયે ઘરમાં અચાનક આગ લાગી, ઝુંપડુ લાકડાની સળીયોનું બનેલું હોવાથી આગે તુરંત પુરા ઝુંપડાને લપેટામાં લઈ લીધુ, આ ઘટનામાં ઘરમાં રહેલા ત્રણે બાળકો આગમાં ભડથુ થઈ ગયા અને તેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તુંરત લોકો દોડી આવ્યા હતા, અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાની કોશિસ કરી હતી, પરંતુ આગ ઓલવાય ત્યાં સુધીમાં તો બાળકોના મોત થઈ ગયા. લોકોએ મહામહેનતે બાળકોને બહાર કાઢ્યા અને 108 દ્વારા તુરંત હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ બાળકોએ પહેલાથી જ દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી છે. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પોલીસ આ મુદ્દે લોકોની પુછપરછ હાથ ધરી તપાસ કરી રહી છે. નાનકડા ગામમાં ત્રણ બાળકોના આગમાં ભડથુ થવાથી પુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

આ સમાચારને શેર કરો