કોટાને છોડો રાજકોટની હોસ્પિટલમાં ડીસેમ્બરમાં 134 બાળકોના મોત થયા.!

રાજકોટ: રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહીનામાં 104 બાળકોના મોતના કારણે રાજસ્થાનની સરકાર દેશભરમાં રાજસ્થાનની કોટા હોસ્પિટલ છવાઈ ગઈ છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોટાવાળી થઈ હોય તેમ ગત ડીસેમ્બર માસમાં 134 બાળકોનાં મોત થતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક થયો છે. જો કે આ આંકડો દર વર્ષની સરખામણીએ નવો નથી. દર વર્ષે સરેરાશ નવજાત શીશુનાં 1200 ઉપરાંત મોત થઈ રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ કે.ટી.ચીલ્ડ્રન હોસ્પિટલમાં વર્ષ 2019માં કુલ 1235 નવજાત શીશુનાં મોત નોંધાયા છે. ગત જાન્યુઆરી 2019માં 122 નવજાત શિશુના મોત થયા હતા. ઓગષ્ટ 2019 થી ડીસેમ્બર 2019 સુધીનાં દર માસે નવજાત શીશુનાં મોતનો આંકડો 100ને પાર રહ્યો છે. તબીબો અને સ્ટાફની પુરતી સારવાર-કાળજી છતાં નવજાત શિશુનાં કોઈને કોઈ કારણોસર મોત થતા રહે છે.

નવજાત શિશુના મોત પાછળ તબીબો-સ્યાફ જવાબદાર હોતા નથી. મોટાભાગના કેસોમાં અધુરા મહિને બાળકનો જન્મ, કુપોષણ, બીમાર માતા, અશક્ત માતા, સારવાર બાદ દવા ન લેવી, ખાવા-પીવામાં પરેજી નહી રાખવી, અપુરતો ખોરાક, વિટામીન, શારીરિક અશક્તિ, તણાવ સહિતના કારણોસર નવજાત શિશુના મોત થઈ રહ્યા છે તો માતાના ઉદરમાં બાળકનું મોત થવુ જેવા અનેકવિધ કારણોથી નવજાત શિશુનાં મોત થતા હોવાનું માનવામાં આવે છે. કે.ડી.ચીલ્ડ્રન સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફની સારવારમાં કાળજી-જરૂરી દેખરેખ સાથે નવજાત શિશુને બચાવવાની પુરતી મહેનત છતાં કુદરતને મંજુર ન હોય નવજાત શિશુની જીંદગી ઓલવાઈ જાય છે.

સિવિલ હોસ્પિટલમાં વર્ષભર નવજાત શિશુનાં મોતની પ્રાપ્ત આંકડાકીય માહિતી પ્રમાણે સન 2019 જાન્યુઆરી માસમાં 122, ફેબ્રુઆરી 105, માર્ચ 88, એપ્રિલ 77, મે 78, જૂન 88, જુલાઈ 84, ઓગષ્ટ 100, સપ્ટેમ્બર 118, ઓકટોબર 131, નવેમ્બર 110 અને ડીસેમ્બર 134 મળી વર્ષભરમાં 1235 નવજાત શીશુનાં મોત થયા હતા.

ગત વર્ષ માર્ચથી જુલાઈ માસ દરમિયાન સરેરાશ દર માસે 700 ઉપરાંત અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બર, ઓકટોબર, નવેમ્બર, ડીસેમ્બર માસમાં 100 ઉપરાંત નવજાત શિશુનો મરણ નોંધાયા હતા. વર્ષભરમાં કુલ 1235 નવજાત શિશુનાં જન્મજાત બિમારી, કુપોષણ અને અનેક કારણોસર મોત નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા નવજાત શિશુનો મૃત્યુ આંક ઘટાડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો